નવી દિલ્હીઃ સંસદ ભવનમાં 13મી ડિસેમ્બરના રોજ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર ઘુસણખોરી કરી હતી. આ આરોપીઓએ સ્મોક બોમ્બનો વિસ્ફોટ કર્યો હતો. જો કે તેઓએ પોતાની જાતને સળગાવી દેવાની અને ચોપાનિયા ઉછાળવાની યોજના પણ બનાવી હતી. આ માહિતી દિલ્હી પોલીસ અધિકારીઓએ શનિવારે જાહેર કરી છે.
આ મામલે તપાસ કરી રહેલા દિલ્હી પોલીસ ભાજપના નેતા અને સાંસદ પ્રતાપ સિમ્હાનું નિવેદન પણ નોંધશે. સદરની અંદર સુરક્ષા વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા આરોપીઓ પૈકી બે પુરુષ આરોપીઓને સિમ્હાએ પાસ ઈશ્યૂ કર્યા હતા. આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી ઝીરો અવર્સમાં દર્શક બેસે તે સ્થળેથી લોકસભા કક્ષમાં કુદયા હતા. તેમણે સ્મોક બોમ્બનો વિસ્ફોટ કર્યા બાદ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. સાંસદોએ આરોપીઓને ઝડપી લીધા હતા.
સંસદની અંદર જે સમયે ધુમાડો છોડાયો તે જ સમયે સંસદની બહાર અન્ય બે આરોપીઓ અમોલ શિંદે અને નીલમ દેવીએ પણ સ્મોક બોમ્બનો વિસ્ફોટ કર્યો હતો. આ આરોપીઓએ પણ "તાનાશાહી નહી ચલાવી લેવાય " તેવો સુત્રોચ્ચાર કર્યો હતો. પાંચમો આરોપી લલિત ઝા આ સમગ્ર વિરોધ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની કામગીરી કથિત રીતે કરતો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ કરતા દિલ્હી પોલીસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આરોપીઓએ ઘટનાને અંજામ આપતા પહેલા બીજા અનેક વિકલ્પો પર પણ વિચાર કર્યો હતો. જેથી તેઓ સરકાર સુધી પોતાની વાત સક્ષમ રીતે રજૂ કરી શકે.
તેમણે કહ્યું કે, આરોપીઓ સૌથી પહેલા પોતાના શરીરે ફાયરપ્રૂફ ક્રીમ ચોપડીને આત્મદાહ કરવાની યોજના બનાવી હતી. જો કે આ વિચાર પછી તેમણે ત્યજી દીધો હતો. સંસદમાં ચોપાનિયા ફેંકવાનો પણ તેમણે વિચાર કર્યો હતો. છેલ્લે આરોપીઓ સંસદમાં સ્મોક બોમ્બના વિસ્ફોટ કરવા માટે સહમત થયા હતા. કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમ આ મામલે મૈસૂરના ભાજપ સાંસદ સિમ્હાનું નિવેદન પણ નોંધશે.
સુત્રો અનુસાર આરોપીને મદદ કરનાર આરોપીઓ મહેશ અને કૈલાશને પણ તપાસકર્તાઓએ ક્લીન ચિટ આપી નથી. પોલીસ આરોપીને રાજસ્થાનના નાગોર લઈ જશે જ્યાં તે ફરાર થયા બાદ છુપાયો હતો. અન્ય એક પોલીસ અધિકારી જણાવે છે કે આ સ્થળે આરોપીએ પોતાના અને સાથીઓના મોબાઈલ ફોન નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાંચેય આરોપીઓને 7 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.