વોશિંગ્ટન (યુએસ): યુએસ પ્રમુખ જો બાઈડને ભયાનક ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જેમાં 288 મુસાફરોના જીવ ગયા અને 1,000 થી વધુ ઘાયલ થયા છે. બાઈડને અને ફર્સ્ટ લેડી જીલ બિડેને કહ્યું કે તેઓ બંને બાલાસોર જિલ્લામાં જીવલેણ ટ્રેન દુર્ઘટનાના દુ:ખદ સમાચારથી હ્રદયથી દુખી છે.
અમેરિકા ભારતના લોકોની સાથે: રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે હું અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન ટ્રેન દુર્ઘટનાના સમાચારથી દુખી છીએ. મૃતકો અને ઘાયલો સાથે અમારી સંવેદના છે. મોટી સંખ્યામાં લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. બિડેને વધુમાં કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત સંબંધ છે. સાંસ્કૃતિક અને પારિવારિક દ્રષ્ટિએ બંને દેશો એકબીજા સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે ભારતમાં થયેલા અકસ્માત માટે અમેરિકાના લોકો શોકમાં છે. દુઃખની આ ઘડીમાં અમેરિકા ભારતના લોકોની સાથે છે.
288ના મોત: વિનાશક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સત્તાવાર 288 આંકવામાં આવ્યો હતો, જેમાં 1,000 વધુ ઇજાગ્રસ્ત થયા હતા. કુલ 1,175 ઘાયલોને વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. દુર્ઘટના અંગેના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે ત્રણ માર્ગીય અકસ્માતમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો.
17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા: શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં આ બંને ટ્રેનોના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અકસ્માત સ્થળની મુલાકાત દરમિયાન અધિકારીઓને દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.