મુંબઈઃ સ્પેનની 67 વર્ષીય મહિલા ટેરેસા ફર્નાન્ડિસને મુંબઈમાં ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરી હતી. આ મહિલાના બાળકોએ પોતાની માતાના અંગોનું દાન કરીને અન્ય લોકોનો જીવ બચાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. મહિલાના કારણે 5 નિર્દોષ જીવ (ORGAN DONATION SPANISH WOMAN ) બચી ગયા. જેમાંથી 4 ભારતીય નાગરિક હતા. સ્પેનની ટેરેસા મારિયા ફર્નાન્ડીઝ કેટલાક પ્રવાસીઓ સાથે ભારતની મુલાકાતે આવી હતી. 5 જાન્યુઆરીએ તે મુંબઈમાં બસમાં મુસાફરી કરતી વખતે બેહોશ થઈ ગઈ હતી. ટેરેસાને જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એમ્બેસી અને ટેરેસાના પરિવારને જાણ કરવામાં આવી હતી.
બ્રેઈન હેમરેજ થયું: જસલોક હોસ્પિટલે આપેલી માહિતી મુજબ, 'મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે ટેરેસાને બ્રેઈન હેમરેજ થયું હતું. ટેરેસાની પુત્રી સ્પેનમાં ઇમરજન્સી મેડિસિન ડૉક્ટર છે. જસલોક હોસ્પિટલના ડૉક્ટર આઝાદ ઈરાનીએ જણાવ્યું કે પરિવાર સાથે વાત કર્યા બાદ ટેરેસાને સર્જરી માટે લઈ જવામાં આવી હતી. તેનો પરિવાર બીજા દિવસે ભારત પહોંચ્યો. ટેરેસા બેભાન હતી. ડોક્ટરોએ જણાવ્યું કે 11 જાન્યુઆરીએ રાત્રે લગભગ 9.55 વાગ્યે તેનો પહેલો એપનિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પછી જાણવા મળ્યું કે તે બ્રેઈન ડેડ છે.
આ પણ વાંચો: રાજકોટમાં બ્રેઇન ડેડ યુવાનના હૃદય-ફેફસા સહિતના અંગોનું દાન કરાયું
અંગ દાન કરવાનો નિર્ણય કર્યોઃ જસલોક હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે બ્રેઈન-ડેડ સ્ટેટસની પુષ્ટિ થયા બાદ ટેરેસાના પુત્ર અને પુત્રીએ કહ્યું કે તેઓ તેમની માતાના અંગોનું દાન કરવા માગે છે. આ તેની માતાની ઈચ્છા હતી. ટેરેસાના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવ્યા હતા. ટેરેસા મારિયા ફર્નાન્ડીઝની પુત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે મારી માતાને પ્રવાસ કરવાનું પસંદ હતું અને તે હંમેશા ભારત આવવા માંગતી હતી. ટેરેસાના ફેફસાં, લીવર, કિડનીએ ભારતમાં દર્દીઓના જીવ બચાવ્યા.
આ પણ વાંચો: 14 દિવસની અંદર સાતમું અંગદાન : ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી
જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ: ટેરેસાનું હૃદય ચેન્નાઈમાં રહેતા લેબનીઝ દર્દીને આપવામાં આવ્યું હતું. ટેરેસાના હાડકાં અને રજ્જૂ પણ દાનમાં આપવામાં આવ્યા હતા. ટેરેસાના લીવરના કારણે મુંબઈના 54 વર્ષીય ડોક્ટરનો જીવ બચી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેરેસા ભારતમાં અંગ દાન કરનાર બીજા વિદેશી છે. અંગદાનના મામલામાં સ્પેન ટોચ પર છે. સામાજિક કાર્યકર જોન મેનેઝીસે અપીલ કરી છે કે ભારતીય નાગરિકો પણ આગળ આવે અને અંગોનું દાન કરે અને જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ કરે. જાન્યુઆરીના છેલ્લા બાર દિવસમાં અત્યાર સુધીમાં બે લોકોએ અંગોનું દાન કર્યું છે. 2022માં 41 લોકોએ અંગોનું દાન કર્યું હતું જ્યારે 2021માં 37 લોકોએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.