- દરેક વ્યક્તિએ RT-PCR રિપોર્ટ બતાવવો પડશે
- કોઈ પાસે રિપોર્ટ નહીં હોય તો કોરોના ટેસ્ટ થશે
- પોઝિટિવ રિપોર્ટ આવશે તો 14 દિવસ ક્વોરન્ટાઈન કરાશે
દિલ્હીઃ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યારના દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશભરમાં કોરોનાના 86 ટકા કેસ આ જ રાજ્યોમાં જોવા મળ્યા છે.
દિલ્હીમાં જવા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો આવશ્યક
આ રાજ્યોમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. જોકે, દિલ્હીમાં દરરોજ દેશભરમાંથી લોકો આવે છે. આ માટે જ દિલ્હી સરકારે હવે એલર્ટ જાહેર કરી દીધું છે. દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે, આ 5 રાજ્યોથી દિલ્હી આવનારા માટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. નેગેટિવ આરટી-પીસીઆર દેખાડવા પર જ તેમને દિલ્હીમાં જવા મળશે. જો રિપોર્ટ નહીં હોય તો તે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે.
72 કલાક જૂનો રિપોર્ટ પણ માન્ય ગણાશે
જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તે વ્યક્તિએ 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. જોકે, દિલ્હી સરકાર આ 5 રાજ્યોના નોડલ ઓફિસરને કહેશે કે, તેઓ એ સુનિશ્ચિત કરે કે તેમના રાજ્યથી દિલ્હી આવી રહેલા લોકો પાસે 72 કલાક જૂનો કોરોના નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ હોય. ત્યારબાદ જ દિલ્હી આવવા નીકળે. જોકે, કારવાળાઓને છૂટ મળશે.
કારથી દિલ્હી આવનારા પ્રવાસીઓને છૂટ
આપને જણાવી દઈએ કે, દિલ્હી સરકાર આનાથી જોડાયેલો એક આદેશ જાહેર કરશે. આ આદેશ 26 ફેબ્રુઆરી શુક્રવારની અડધી રાતથી લઈ 15 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ આદેશ ફ્લાઈટ, ટ્રેન અને બસથી દિલ્હી આવનારા પ્રવાસીઓ માટે લાગુ કરાશે, પરંતુ કારથી દિલ્હી આવનારા પ્રવાસીઓનો આ આદેશમાં સમાવેશ નહીં કરાય.