હૈદરાબાદ: વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ICC ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિની ફાઇનલ મેચ માટે તૈયાર છે. આ મહાજંગ સમાન મુકાબલો અમદાવાદમાં રમાશે જ્યાં મેજબાન ભારત પાંચ વખતની ચેમ્પિયન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. સૌથી મોટો સવાલ એ છે કે કયો બેટ્સમેન સદી ફટકારીને આ મેચને યાદગાર બનાવશે? અત્યાર સુધી યોજાયેલી કુલ 12 વર્લ્ડ કપ ફાઇનલમાં માત્ર છ બેટ્સમેન આવું કરી શક્યા છે, અને તેમાંથી પાંચ બેટ્સમેનોએ પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વર્લ્ડકપની ફાઇનલમાં અત્યાર સુધીમાં માત્ર બે કેપ્ટન જ સદી ફટકારી શક્યા છે. ખાસ વાત એ છે કે આ છ સદી અલગ-અલગ વર્લ્ડ કપમાં આવી નોંધાઈ છે, અને આ સદી માત્ર ત્રણ ટીમના ખેલાડીઓએ જ ફટકારી છે.
વર્લ્ડ કપ 1975: ક્લાઈવ લોઈડ 102 Vs ઓસ્ટ્રેલિયા
વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 1975માં થઈ હતી. પ્રથમ વર્લ્ડ કપની ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 60 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. કેપ્ટન ક્લાઇવ લોયડે 85 બોલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. એક સમયે વેસ્ટ ઈન્ડિઝની 50 રનના સ્કોર પર 3 વિકેટ હતી, પરંતુ ત્યારે ક્લાઈવ લોયડે મોરચો સંભાળ્યો અને રોહન કન્હાઈ સાથે ચોથી વિકેટ માટે 149 રન જોડ્યા. 292 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 274 રનમાં આઉટ થઈ ગયું હતું, અને વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલમાં ક્લાઈવ લોઈડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 1979: વિવ રિચર્ડ્સ 138 અણનમ ઈંગ્લેન્ડ સામે
બીજા વર્લ્ડ કપની ફાઈનલ પણ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ હતી. 23 જૂન 1979ના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સર વિવ રિચર્ડસે ઈંગ્લિશ ટીમના આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો અને 138 રનની તોફાની અણનમ ઈનિંગ રમી. રિચર્ડ્સે 157 બોલમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 286/9 ના જવાબમાં ઈંગ્લેન્ડ 194 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 92 રને પરાજીત કરીને સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સર વિવ રિચર્ડ્સને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 1996: અરવિંદ ડી સિલ્વા 107 અણનમ ઓસ્ટ્રેલિયા સામે
છઠ્ઠા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 241/7 રન બનાવ્યા. શ્રીલંકા માટે અરવિંદા ડી સિલ્વાએ 124 બોલમાં અણનમ 107 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા અને તેની ઈનિંગના કારણે જ શ્રીલંકાને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનનો તાજ મળ્યો. શ્રીલંકાએ 46.2 ઓવરમાં 245/3 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું. મેચ જીતવાના આ પ્રયાસ બદલ ડી સિલ્વાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 2003: રિકી પોન્ટિંગ 140 અણનમ ભારત સામે
2003 વર્લ્ડ કપમાં, 20 વર્ષ પછી, ભારતે વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગ તેમના વર્લ્ડ ચેમ્પિયન બનવાના માર્ગમાં આવ્યા. 23 માર્ચ, 2003ના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઈનલ મેચમાં, ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, આની વિપરીત અસર થઈ. ઓસ્ટ્રેલિયાએ 359/2નો વિશાળ સ્કોરનો ખડકલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે 121 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 140 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને 360 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારત 234 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું અને ઓસ્ટ્રેલિયા 125 રનથી મેચ જીતીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. રિકી પોન્ટિંગને તેની શાનદાર અણનમ સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 2007: એડમ ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે બનાવ્યાં 149 રન
9મો ક્રિકેટ વર્લ્ડ કપ પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝમાં રમાયો હતો. બ્રિજટાઉન ખાતે 28 એપ્રિલ 2007ના રોજ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આક્રમક ઓપનર એડમ ગિલક્રિસ્ટે 104 બોલમાં 149 રનની તોફાની ઇનિંગ રમીને કેપ્ટન રિકી પોન્ટિંગના નિર્ણયને સાચો સાબિત કર્યો. વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ છે, જેમાં કોઈ ડાબોડી બેટ્સમેને 13 ફોર અને 8 સિક્સર ફટકારી હોય. વરસાદ વિક્ષેપિત આ મેચમાં ગિલક્રિસ્ટની આક્રમક સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ 38 ઓવરમાં 281/4 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકા 215/8 સુધી મર્યાદિત રહ્યું હતું અને ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા 53 રનથી સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં જીત મેળવી હતી. ગિલક્રિસ્ટને મેચનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 2011: ભારત સામે 103 રને અણનમ મહેલા જયવર્ધન
આ વર્લ્ડ કપની ફાઈનલ 2 એપ્રિલ 2011ના રોજ ભારતના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાને છ વિકેટે હરાવીને ભારત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સુકાની મહેલા જયવર્ધને 88 બોલ પર અણનમ 103 રનની શાનદાર પારી રમી હતી, જેના કારણે શ્રીલંકાએ 274/6 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ચાર વિકેટથી આ મેચ જીતી લીધી અને મહેલા જયવર્ધનની સદી વ્યર્થ સાબીત થઈ હતી.
બે કેપ્ટનોએ અંતિમ સદી ફટકારી છે
વર્લ્ડ કપ ફાઇનલમાં અત્યાર સુધીમાં બે કેપ્ટન જ સદી ફટકારી ચૂક્યા છે - 1975માં વર્લ્ડ કપની ફાઇનલમાં સર ક્લાઇવ લોયડ અને 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં રિકી પોન્ટિંગ આ પરાક્રમ કરી ચુક્યાં છે.
આ વખતે કોણ ફટકારશે સદી?
હવે બધાની નજર વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પર છે, જ્યાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમોમાં ઘણા યુવા બેટ્સમેન છે. ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા બેટ્સમેન છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેન છે. ફાઈનલમાં કયો ખેલાડી સદી ફટકારે છે તે જોવું રહ્યું.