ગંજામ : ઓડિશાના ગંજામ જિલ્લામાં એક 25 વર્ષીય યુવકની કથિત રીતે તેની પત્ની અને બે વર્ષની પુત્રીને તેના રૂમમાં ઝેરી સાપ છોડીને હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના સ્થાનિક કબીસૂરિયા નગરના અધેગાંવ વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ કે. ગણેશ પાત્ર છે. ગણેશની પત્ની કે. બસંતી પાત્રા (23) સાથે ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું કે તેમના લગ્ન 2020માં થયા હતા અને તેમને બે વર્ષની પુત્રી છે.
આવી રીતે ઘટનાને અંજામ આપ્યો : એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે આરોપીએ કથિત રીતે સાપને એક સપેરા પાસેથી ખરીદ્યો હતો અને કહ્યું હતું કે તે ધાર્મિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરશે. અધિકારીએ જણાવ્યું કે ગયા મહિને 6 ઓક્ટોબરે તે પ્લાસ્ટિકના બરણીમાં કોબ્રા સાપ લાવ્યો અને તેને તે રૂમમાં છોડ્યો હતો જ્યાં તેની પત્ની અને પુત્રી સૂતી હતી. તેણે કહ્યું કે બીજા દિવસે સવારે બંને સાપ કરડવાથી મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે આરોપી ગણેશ બીજા રૂમમાં સૂતો હતો.
પતીએ ગુનાની કબુલાત કરી : ગંજામ જિલ્લાના પોલીસ અધિક્ષક જગમોહન મીનાએ જણાવ્યું હતું કે પોલીસે શરૂઆતમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો, પરંતુ યુવકના સસરાએ તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવ્યા બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે કહ્યું, "આરોપીની ઘટનાના એક મહિના પછી ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેની સામે પુરાવા એકત્ર કરવામાં થોડો વિલંબ થયો હતો. પૂછપરછ દરમિયાન, તેણે શરૂઆતમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે સાપ તેની જાતે જ રૂમમાં પ્રવેશ્યો હતો." જો કે, તેણે ગુનો કબૂલી લીધો છે, હાલમા તપાસ ચાલુ છે."