નવી દિલ્હીઃ સતત અને સખત રીતે વધી રહેલી મોંધવારીએ હવે જમવાની થાળીનો સ્વાદ બગાડી નાંખ્યો છે. ઉનાળો શરૂ થયો ત્યારે લીંબુના ભાવ, પછી ટમેટાના ભાવ અને હવે લીલા મરચાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે શાકની તિખાશ ઓછી થાય તો નવાઈની વાત નથી. તફાવતનો મુદ્દો એ છે કે, ડીઝલના ભાવ ઘટે તો પણ દૂધના ભાવ ઘટતા નથી. અનાજની સીઝનમાં પાક સારો ઊતર્યો હોવા છતા અન્ય સાપેક્ષ કોમોડિટીમાં ભાવ કોઈ કાળે ઘટતા નથી. ટૂંકમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભાવ વધારો લાગુ થયા બાદ શાકભાજીની કોમોડિટી સિવાય કોઈ વસ્તુમાં ભાવ ઘટાડાથી કોઈ રાહત થતી નથી.
માર્કેટની સ્થિતિઃ છૂટક માર્કેટમાં લીલા મરચાની કિંમત રૂપિયા 80-200 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતામાં મરચાનો ભાવ રૂપિયા 400 થઈ ગયા છે. ટમેટાના ભાવે આર્થિક સ્તર પર સ્થિતિને લાલ કર્યા બાદ હવે મરચાએ સ્વાદમાંથી તિખાશ છીનવી છે. દિલ્હીમાં ટમેટાના ભાવ રૂપિયા 100થી 150 બોલાઈ રહ્યા છે. જ્યારે NCRમાં 120થી 150 રૂપિયા સુધી ભાવ ચાલે છે. બીજી બાજુ આદુની કિંમતમાં પણ અચાનક ભાવ વધારો થતા જથ્થાબંધમાં ભાવ ઉછળીને 240 રૂપિયા સુધી થઈ ગયો છે. જ્યારે છૂટક માર્કેટમાં એનો ભાવ 260થી 300 ચાલે છે.
આવું શા માટેઃ દેશમાં વાવાઝોડની માઠી અસર શાકભાજી પર થઈ રહી છે. મરચાનો પાક નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સપ્લાયને અસર પહોંચી છે. સ્ટોક ઓછો અને ભાવ વધારે છે. જેથી કિંમત યુદ્ધના ધોરણે આસમાન સુધી પહોંચી છે. ચોમાસુ સીઝન હોવા છતા શાકભાજીના ભાવ ઘટવાના બદલે વધી રહ્યો છે. એ પાછળનું કારણ ખેતિમાં નુકસાની હોવાનું જાણવા મળે છે. આગામી એક અઠવાડિયા સુધી શાકભાજીની કોમોડિટીમાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નથી.
ચામાંથી આદું ગાયબઃ અમદાવાદ શહેરમાં આવેલા ચાની હોટેલ વાળાએ ચા માં આદું નાખવાનું બંધ કરી દીધું છે. આદુંવાળી ચા પીવી હોય તો વધારે પૈસા ચૂકવવા પડે છે. કારણ કે, વેપારીઓ કહે છે કે, આદુંની જથ્થાબંધ ખરીદી અત્યારે પોસાતી નથી. જ્યારે તૈયાર સબ્જી પાર્સલ કરાનારાઓએ કોથમરી નાંખવાનું બંધ કરી દીધું છે. જોકે, કઠોળના ભાવમાં પણ વધારો થવાને કારણે ગુજરાતી થાળીમાં આવનારા દિવસોમાં ભાવ વધારો થાય તે નવાઈ નહીં. કારણ કે, ડીશમાં આવતી દરેક કોમોડિટીના ભાવમાં આંશિક ભાવ વધારો છે. પણ સાપેક્ષ પરીબળની અસરને કારણે કિંમત મોટી થઈ રહી છે.