ચેરુકુપલ્લી: આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં એક શાળાના વિદ્યાર્થીની હત્યાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. હત્યાનું કારણ જાણી શકાયું નથી. વિદ્યાર્થીના મિત્રએ તેના સાથીદારો સાથે મળીને તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધા હોવાનો આરોપ છે. જેના કારણે વિદ્યાર્થીનું દર્દનાક મોત થયું હતુ. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પેટ્રોલ છાંટી આગ ચાંપી: ચેરુકુપલ્લી મંડલની રાજોલુ પંચાયતનો વિદ્યાર્થી ઉપ્પલ અમરનાથ સ્થાનિક હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે ટ્યુશન માટે રોજ સવારે રાજોલુ જતો હતો. શુક્રવારે સવારે પણ તે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં તેના એક મિત્રએ અન્ય કેટલાક લોકો સાથે મળીને રેડલાપલેમમાં તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી.
મોત પહેલા નિવેદન: સ્થાનિક લોકોએ છોકરાને આગની જ્વાળાઓમાં તડફડિયા મારતો જોયો હતો. ઘટનાસ્થળે તરત જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેને ગુંટુર GGH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન છોકરાનું મોત થયું હતું. મૃત્યુ પહેલા અમરનાથે પોલીસને જણાવ્યું કે, વેંકટેશ્વર રેડ્ડી અને અન્ય લોકોએ તેમના પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી.
પરિવારજનોમાં રોષ: ચેરુકુપલ્લી SI કોંડા રેડ્ડીએ કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. આ દર્દનાક ઘટના બાદ પીડિતના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિજનોએ પોલીસને આરોપીની ધરપકડ કરવા માંગ કરી છે. પોલીસે કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.