ભોપાલઃ સોમવારે ચૂંટણી પંચ તરફથી 5 રાજ્યોમાં થનાર ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભાજપે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પોતના ઉમેદવારો જાહેર કર્યા છે.
મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં ભાજપે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 57 ઉમેદવારોના નામ છે. જેમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાનો સમાવેશ થાય છે. જેમાં શિવરાજ સિંહને બુધના અને નરોત્તમ મિશ્રાને દતિયાથી ટિકિટ આપવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપે કુલ મળીને 136 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
દિગ્ગજો પર ભાજપનો દાવઃ ભાજપે રજૂ કરેલ ચોથી યાદીમાં મધ્ય પ્રદેશના દરેક દિગ્ગજનો સમાવેશ થાય છે. જેમાં શિવારાજ સિંહ, નરોત્તમ મિશ્રા, ગોપાલ ભાર્ગવ, વિશ્વાસ સારંગ, ભૂપેન્દ્ર સિંહ, અરવિંદ સિંહ ભદોરિયા, પ્રદ્યુમન સિંહ તોમર, ગોવિંદ સિંહ રાજપૂત, શૈલેન્દ્ર જૈન, ઉમાભારતીના ભત્રીજા રાહુલ સિંહ લોધી, ગીરીશ ગૌતમ નો સમાવેશ થાય છે.
ભાજપે ચાર યાદી જાહેર કરીઃ ભાજપે આ અગાઉ મધ્ય પ્રદેશના ઉમેદવારોની ત્રણ યાદી રજૂ કરી હતી. ભાજપે અગાઉ 7 સાંસદોને ટિકિટ આપી છે. જેનાથી મધ્ય પ્રદેશનું રાજકારણ ઘણું ગરમાયું હતું. પાર્ટીએ બે યાદીમાં 39-39 ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે ત્રીજી યાદીમાં એક માત્ર ઉમેદવાર મોનિકા શાહ બટ્ટીને છીંદવાડાના અમરવાડાથી ટિકિટ આપી છે.
રાજસ્થાનઃ સોમવારે ભાજપે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં કુલ 41 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપે આ યાદીમાં કુલ 7 સાંસદોને સ્થાન આપ્યું છે. આ સાંસદોમાં રાજ્યવર્ધન રાઠોડ, દીયાકુમારી, કિરોડીલાલ મીણાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપે આ યાદીમાં વસુધરા રાજે, રાજેન્દ્ર રાઠોડ, સતીશ પૂનિયાનો સમાવેશ કર્યો નથી.
7 સાંસદોઃ ભાજપે રજૂ કરેલ પ્રથમ યાદીમાં કુલ 7 સાંસદોને સ્થાન આપ્યું છે. જેમાં દેવજી પટેલ, ભાગીરથ ચૌધરી, રાજ્ય વર્ધન સિંહ રાઠોડ, કરોડી લાલ મીણા, નરેન્દ્ર કુમાર, દીયાકુમારી, બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. સોમવારે જ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં 23 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.