ન્યૂઝ ડેસ્ક : માતાનું ઋણ આપણે સાત જનમમાં પણ ચૂકવી શકવાના નથી. તેમ છતાં માઁને થેન્કસ કહેવાનો દિવસ છે. આખો દિવસ અને ચોવીસ કલાક અને સાતેય દિવસ આપણી સારસંભાળ રાખનારી માઁને થેન્કસ કહેવા માટે એક દિવસ ચોક્કસથી ઓછો જ પડે, પણ મધર્સ ડે નિમિત્તે માતાને કહીએ થેન્કસ માં...
કવિઓએ લખેલી રચના અને શબ્દોમાં વાત્સલ્ય મૂર્તિની શબ્દાકૃતિ
કવિ બોટાદકરની રચના
મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની જોડ સખી નહી જડે રે લોલ…
કવિ ઝવેરચંદ મેઘાણીની રચના
કોઈ દી સાંભરે નૈ,
માં મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ?
માં મને કોઈ દી સાંભરે નૈ.
કવિ પ્રેમાનંદની રચના
ગોળ વિના મોળો કંસાર,
માતા વિના સૂનો સંસાર
નેપોલિયને માતા વિશે કહ્યું છે કે, એક માતા એ સો શિક્ષકની ગરજ સારે છે.
માતાના વત્સલ્યને ઉજાગર કરતા જાણીતા વાક્યો
- છોરુ કછોરુ થાય પણ માતા કુમાતા ન થાય.
- એક ત્રાજવામાં માને બેસાડો અને બીજા ત્રાજવામાં આખી દુનિયાને મૂકો છતાં માનું પલ્લું હમેશાં નમતુ રહે છે.
માતા તમારાથી નારાજ હોય તો તેને આજે મનાવી લેજો. આમ તો માતા નારાજ થાય જ નહીં, પણ કોઈ કારણસર માતા તમારાથી નારાજ થયા હોય, તો તેમને થેન્કસ કહીને મનાવી લેજો, મધર્સ ડે ત્યારે જ સાર્થક થયો કહેવાશે.
- એક વાત નક્કી છે કે, માતા દેખાવમાં કડક લાગતી હશે, પણ તેટલી જ સરળ અને મૃદુ સ્વભાવની હોય છે. કોઈપણ વાતથી માં નારાજ હોય, તો પોતાની ભુલ સ્વીકારીને માંને ગળે લગાવી લેજો. કોમળ મનની માતા તમારાથી વધારે સમય નારાજ નહી રહી શકે, માતાની નારાજગી પળવારમાં દૂર થઈ જશે.
- ક્યારેક એવું થાય કે, તમારી માફી માંગી અને માંની નારાજગી દૂર ન થઈ હોય, તો તમારી પાસે માંના નામે પ્રેમ પત્ર લખવાનો વિકલ્પ પણ છે. આ પત્રમાં તમારી લાગણી રજૂ કરો અને માંની નારાજગીથી તમે ખુબ વ્યથિત છો, તમારી આ લાગણી જાણીને 100 ટકા માતાની નારાજગી દૂર થઈ જશે.
- જો માતા નારાજ હોય તો તેને મનાવવા માટે માતાને જે ભાવે છે કે ખાવાનું કે નાસ્તાની ડીશ બનાવીને ખવડાવો. તમારા હાથનું જમાવાનું જમીને માતાની નારાજગી પ્રેમમાં પરિણમી જશે.
- જો માતા નારાજ હોય તો તેને મનાવવા માટે તમારી પગારમાંથી કે પોકેટ મનીમાંથી કોઇ ભેટ આપો અથવા તેમાંથી માતાની પસંદગીની વસ્તુની ગિફ્ટમાં આપો. માતાને પુત્ર ગિફ્ટ આપે તે ખુબ જ ગમે છે. આખા ગામમાં કે સગા વ્હાલાને જઈને કહેશે, કે મારો દીકરો મારા માટે આ ગિફ્ટ લાવ્યો છે.
- મોટાભાગે એવું જોવા મળે છે કે, કેટલાક દીકરાઓ માતાને સમય ફાળવી શકતા નથી. સપ્તાહમાં એક વાર માતા પાસે બેસીને વાતો કરો, માતાની સમસ્યા જાણો, તેમને કંઈ જોઇતું હોય, લાવવું હોય તો તે પૂછો, તેમના ખબરઅંતર પૂછો. માતાને સપ્તાહમાં એકવાર બહાર ફરવા લઈ જાવો. મંદિર દર્શન કરવા લઈ જાવો. માતા ખુશ થશે.
જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગરયસી...