નવી દિલ્હીઃ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને મંગળવારે સભાપતિ જગદીપ ઘનખડે સંસદના બાકી રહેલા ચોમાસા સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનની રાજ્યસભામાં ગેરવર્તણુક, અવિવેકપૂર્ણ વર્તન બદલ બાકી સંસદ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સદન નેતા પિયુષ ગોયલે સદનની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેફ કરવા માટે, સભાપતિની અવમાનના કરવા અને સદનમાં સતત અશાંતિ પેદા કરવા માટે બ્રાયનને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને સભાપતિએ મંજૂર રાખ્યો હતો.
સભાપતિએ કડક સૂચના આપી હતીઃ આ પહેલા, સોમવારે સંસદમાં દિલ્હી સર્વિસ બિલ પસાર થવા અગાઉ, રાજ્યસભામાં ચર્ચા થવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સભાપતિ જગદીપ ધનખડ અને ટીએમસી સાંસદ બ્રાયન વચ્ચે બોલચાલ જોવા મળી હતી. બંને ગૃહોમાં સતત સૂત્રોચ્ચાર અને વારંવાર વિક્ષેપ બાદ સોમવારે રાજ્યસભામાં સભાપતિએ ટીએમસી સાંસદ પર કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને તેમના પર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન),2023ની ચર્ચા દરમિયાન વિક્ષેપ કરી સંદનનો સમય બગાડવાનો આરોપ લગાડ્યો હતો.
નાટકીય વ્યવહારનો આરોપઃ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સોમવારે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદે પોતાના પ્રચાર માટે નાટકીય વ્યવહાર કરવાનો આરોપ લગાડ્યો હતો. ધનખડને ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ટીએમસી સાંસદે પોતાનુ વકતવ્ય વિધેયક પૂરતુ મર્યાદિત રાખવાને બદલે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આરોપોનો સમાવેશ કર્યો.
અંગત પ્રચાર નહીં ચાલેઃ સભાપતિએ ઓ બ્રાયનને ક્હયું કે તમારી આદત થઈ છે વિક્ષેપ કરવાની. તમે એક રાજકારણ રમી રહ્યા છો. તમને લાગે છે તમે પ્રચાર કર્યાનો આનંદ લેશો. તમે સદનનો સમય બર્બાદ કર્યો છે. બેસી જાવ.પરેશાન ધનખડે વધુમાં કહ્યું કે શું તમે અહીં નાટક કરવા માટે આવ્યા છો. શું આ જ આપની પ્રતિજ્ઞા હતી...આવી ચતુરાઈ ક્યારેય કામ નથી આવતી...અહીં એક સભ્ય છે જે પોતાના અંગત પ્રચાર માટે આવ્યો છે. હું આને ધ્યાને લઉં છું. સભાપતિએ ટીએમસી સાંસદના ભાષણનો કેટલોક ભાગ પણ હટાવી દીધો હતો.