- 4 વર્ષ અગાઉ મનીષાબેન ભાવસાર થયા હતા ગુમ
- પરિવારજનોએ શોધખોળ કરી હોવા છતા લાગ્યો ન હતો પત્તો
- ઓડિશાના એક NGO દ્વારા મહિલાને પરિવાર સાથે મેળાપ કરાવાયો
બેરહામપુર(ઓડિશા): અમદાવાદથી ગુમ થયેલી એક મહિલા 4 વર્ષ બાદ 1700 કિલોમીટર દૂર આવેલા ઓડિશાના બેરહામપુર ખાતેથી મળી આવી છે. મધ્યમવર્ગીય પરિવારની આ મહિલા ગુમ થયા બાદ તેણીની શોધમાં પરિવારજનોએ શહેર આખું ખૂંદી નાખ્યું હતું. જોકે, ઓડિશાના બેરહામપુરમાં એક NGO દ્વારા આ મહિલાના પરિવારજનોને શોધીને તેમનો સંપર્ક કરાતા પરિવારજનો તેણીને લેવા માટે ઓડિશા પહોંચ્યા હતા. જ્યાં છેલ્લા 4 વર્ષથી બેરહામપુરના નર્મદા શિશુ ભવન ખાતે રહેતી મહિલા અને તેણીના પરિવારજનોની મુલાકાત વેળાએ હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: 'ભગવાનને મેરે લિયે દુનિયામેં કોઇ જગહ નહીં બનાઇ, લવ યુ સૉરી' લખી સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મી ગુમ
પતિ રિક્ષા ચલાવીને 4 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવે છે
અમદાવાદમાં આવેલા વિવેકાનંદનગરમાં રહેતા દેવીદાસ ભાવસાર રિક્ષા ચલાવીને 4 સભ્યોના પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અંદાજે 4 વર્ષ અગાઉ એક દિવસે માનસિક રીતે અસ્વસ્થ એવી તેમની પત્ની મનીષા ગુમ થઈ ગઈ હતી. તે માનસિક અસ્વસ્થ હોવાથી પરિવારજનો વધારે ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને શોધખોળમાં શહેરનાં ખૂણેખૂણા ફેંદી નાંખ્યા હતા. તેમ છતા તેણીનો કોઈ પત્તો ન લાગતા અંતે પોલીસ સ્ટેશનના દરવાજા પણ ખટકાવ્યા હતા.
કઈ રીતે થઈ હતી મહિલા ગુમ?
ગુમ થયા બાદ મહિલાને તેણીના પરિવારજનો શહેરભરમાં શોધી રહ્યા હતા. ત્યારે તે કોઈક રીતે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંથી ટ્રેનમાં બેસીને અમદાવદથી 1,702 કિલોમીટર દૂર આવેલા ઓડિશાના બેરહામપુર પહોંચી ગઈ હતી. બેરહામપુરના રસ્તાઓ પર ફરી રહેલી માનસિક અસ્વસ્થ મહિલાને સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી તેના કોઈ વાલી વારસો ન મળતા અંતે બૈકુંઠનગર સ્થિત મિશન ઓફ ચેરિટી સંચાલિત નર્મદા શિશુ ભવનમાં લઈ જવામાં આવી હતી. જ્યારબાદથી તે ત્યાં જ રહેતી હતી.
કઈ રીતે મહિલાના પરિવારને શોધવામાં આવ્યું?
બેરહામપુરના સ્થાનિક NGO 'પરિચય' સાથે સંકળાયેલા દેબાશીષ મોહંતીએ કોરોના બાદ જ્યારે શિશુ ભવનની મુલાકાત લીધી, ત્યારે તેમને અમદાવાદથી આવેલી આ મહિલા અંગે જાણ થઈ હતી. દેબાશીષે તેણી સાથે વાત કરીને તેના પરિવાર અને એડ્રેસ જાણવાની કોશિષ કરી હતી. થોડા સમય બાદ જ્યારે તેમને આ મહિલા અમદાવાદની હોવાનું માલૂમ પડ્યું હતું, ત્યારે તેમણે અમદાવાદ ખાતે રહેતા કેટલાક પરિચિત વ્યક્તિઓનો સંપર્ક કરીને અમદાવાદમાં તેણીના પરિવારજનોને શોધ્યા હતા અને પરિવારને મહિલા હાલમાં ઓડિશાનાં બેરહામપુરમાં હોવાનું જણાવ્યું હતું.
પરિવારજનો આવતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો
4 વર્ષથી પોતાના સ્વજનને શોધી રહેલા મહિલાના પરિવારજનોને તે જીવિત હોવની જાણ થતા તેઓ ગદગદિત થઈ ગયા હતા અને તાત્કાલિક ટ્રેનમાં ઓડિશા પહોંચી ગયા હતા. તેણીના 2 પુત્રો માતાને 4 વર્ષ બાદ જોઈને ભાવુક થઈ ગયા હતા. તેણીના પતિ દેવીદાસ પણ પોતાની પત્નિને જોઈને હરખના આંસુ રોકી શક્યા ન હતા. પોતાની સાથે છેલ્લા 4 વર્ષથી રહેતી આ મહિલાનો પરિવાર સાથે મેળાપ થતો જોઈને શિશુ ભવનનાં કર્મચારીઓ આનંદિત થવાની સાથે સાથે ભાવુક થયા હતા. પરિવારજનોએ મહિલાની સારસંભાળ રાખવા બદલ તેમજ પરિવારજનો સાથે મેળાપ કરાવવા બદલ નર્મદા શિશુ ભવન તેમજ 'પરિચય' NGOનાં દેબાશીષ મોહંતીનો પણ આભાર માન્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી મહિલા આચાર્યનો મૃતદેહ મળી આવ્યો
જગન્નાથ ભગવાનના દર્શન કરીને અમદાવાદ પરત આવ્યા
મહિલાનો પરિવાર સાથે મેળાપ થયા બાદ સમગ્ર પરિવાર બેરહામપુરથી 173 કિલોમીટર દૂર આવેલા જગન્નાથ પુરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કરીને અમદાવાદ પરત ફર્યા હતા.