નાગપુર: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી એક કંપનીમાં રવિવારે સવારે પ્રચંડ વિસ્ફોટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો ગચો. સુત્રોના જણાવ્યા અનુસાર આ ધડાકો વિસ્ફોટકોનું પેકીંગ કરતી વખતે થયો હતો. જેમાં 9 જેટલાં કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે જ્યારે કેટલાંક કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિસ્ફોટ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ કામદારોના સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો કંપનીની બહાર ઉમટી પડ્યા હતા. કંપનીમાં કેટલા કામદારો કામ કરતા હતા તેની માહિતી બહાર આવી નથી.
દુર્ઘટનામાં 9 લોકોના મોત: આ દુર્ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નાગપુરના બજારગાંવ ગામ નજીક એક વિસ્ફોટક કંપનીમાં વિસ્ફોટ થતાં નવ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બજારગાંવ વિસ્તારમાં સોલાર ઈન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર યુનિટમાં સવારે 9 વાગે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ ફાયર એન્જિન અને બચાવ ટીમ રાહત કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
2018માં પણ આ કંપનીમાં થયો હતો વિસ્ફોટ: જાણવા મળતી વિગત અનુસાર આ વિસ્ફોટની તીવ્રતા ઘણી વધારે હતી જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માત કેવી રીતે થયો તે હાલ જાણી શકાયું નથી. એવું કહેવાય છે કે કંપની વૈશ્વિક સ્તરે વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ સુરંગ ખોદવા, પહાડો તોડવા અને ઈમારતો તોડવા માટે કરવામાં આવે છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની સામેથી 20 જિલેટીન સ્ટિક એટલે કે 'ઈમલ્શન એક્સપ્લોઝિવ'નો મામલો સામે આવ્યો હતો. તે વિસ્ફોટક એક જ કંપની દ્વારા નિર્મિત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ કંપનીમાં વર્ષ 2018માં પણ વિસ્ફોટ થયો હતો. તે સમયે એક કર્મચારીનું મોત થયું હતું. વિસ્ફોટ બાદ ગ્રામજનોના આંદોલનને કારણે અહીં તણાવ જોવા મળ્યો હતો.