ઈમ્ફાલઃ મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં હિંસા ભડકી ઊઠી છે. મળતી માહિતી અનુસાર આ વિસ્તારના બે ઘરને આંગ ચાંપીને ફૂંકી મરાયા છે. આગજની દરમિયાન રાઉંટ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. પોલીસે ગુરુવારે આ ઘર ફુંકી મરાયાની ઘટનાની માહિતી આપી છે. બુધવાર રાતથી આ વિસ્તારમાં હિંસાત્મક ઘટનાઓ ઘટી રહી છે. બુધવાર રાત્રે 10 કલાકની આસપાસ પાટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ કીથેલ્મનબી વિસ્તારના ઘરોને સળગાવી દેવાયા. આ આગજનીને પરિણામે સમગ્ર વિસ્તારમાં તણાવગ્રસ્ત સ્થિતિ ઊભી થઈ છે. પોલીસે આ હિંસા ફેલાવનારા અને આગ લગાડનારા આરોપી ભાગી છુટ્યા હોવાનું પણ જણાવ્યું છે.
મૈતેઈ મહિલાઓએ સુરક્ષા દળોને અટકાવ્યાઃ પોલીસ તેમજ સુરક્ષા દળો અને ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ સત્વરે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. હિંસાત્મક બનાવો બાદ આ વિસ્તારમાં મૈતેઈ સમુદાયની મહિલાઓ એકત્ર થઈ ગઈ હતી. આ મહિલાના ટોળાએ સુરક્ષા દળોને આગળ વધતા અટકાવ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પોલીસે વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે.
કેમ ફાટી નીકળી હિંસા?: મૈતેઈ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિનો દરજ્જાની માંગણી કરી હતી. આ માંગણીના વિરોધમાં પહાડી જિલ્લામાં વસતા આદિવાસીઓએ 'આદિવાસી એકજુટતા માર્ચ'નું આયોજન કર્યુ હતું. આ માર્ચ બાદ મણિપુરમાં હિંસા ભડકી ઉઠી હતી. અત્યાર સુધી થયેલી હિંસામાં 180થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઘાયલ લોકોની સંખ્યા અગણિત છે. મણિપુરમાં મૈતેઈ લોકોની સંખ્યા 53 ટકા છે અને તેઓ ઈમ્ફાલના ખીણ વિસ્તારમાં રહે છે. આદિવાસી, નાગા અને કુકી સમુદાયના લોકો 40 ટકા છે. આ સમુદાય પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે.