- ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે મતદાન થશે
- ભવાનીપુર બેઠક અને અન્ય બે વિધાનસભા ક્ષેત્રોમાં પેટાચૂંટણીની જાહેરાત
- મમતા બેનર્જી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડશે- ટીએમસી
કોલકાતા: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક અને અન્ય બે વિધાનસભા ક્ષેત્રોમાં પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે મતદાન થશે અને 3 ઓક્ટોબર 2021 ના રોજ પરિણામ જાહેર થશે. કમિશનની જાહેરાત બાદ ટીએમસીએ જાહેરાત કરી છે કે, મમતા બેનર્જી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડશે. આ સિવાય TMC ના ઉમેદવારો ઝાકીર હુસેન અને અમીરુલ ઇસ્લામ અનુક્રમે જંગીપુર અને સમસેરગંજ બેઠક પરથી ચૂંટણી લડશે.
મમતા બેનર્જી વિધાનસભાના સભ્ય નથી
નોંધપાત્ર બાબત એ છે કે, મમતા બેનર્જી વિધાનસભાના સભ્ય નથી. નિયમો મુજબ, મુખ્યપ્રધાન તરીકે રહેવા માટે 2 નવેમ્બર, 2021 સુધીમાં તેઓ વિધાનસભામાં ચૂંટાયેલા હોવા જોઈએ. આથી ચૂંટણી પંચના આ નિર્ણયથી તૃણમૂલ કોંગ્રેસને મોટી રાહત મળી છે. જો 2 નવેમ્બર, 2021 પહેલા પેટાચૂંટણી ન યોજાઈ હોત તો મમતા બેનર્જીને મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હોત.
TMC પ્રમુખ મમતા બેનર્જી હંમેશા ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડતા હતા
TMC પ્રમુખ મમતા બેનર્જી હંમેશા ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડતા હતા, પરંતુ 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે તેમના પૂર્વ સહયોગી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સામે નંદીગ્રામથી ચૂંટણી લડી હતી, પરંતુ મમતાને હારનો સામનો કરવો પડ્યો હતો. TMC ના શોભનદેવ ચટ્ટોપાધ્યાય ભવાનીપુરથી વિજયી બન્યા હતા, પરંતુ બાદમાં મમતા બેનર્જીની ચૂંટણી લડ્યા પછી બેઠક છોડી દીધી હતી.
30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની સાથે ઓડિશાની એક વિધાનસભા બેઠક પર 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.