- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સોનિયા ગાંધીએ રાજધાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી
- લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી
- મોદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપલી ગામના લાભાર્થીઓ સાથે વાત કરશે
નવી દિલ્હી: દેશ આજે શનિવારે મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાજધાટની મુલાકાત લઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે શનિવારના દિવસે દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ પણ ઉજવાય છે. આ પ્રસંગે પીએમ મોદી સહિત તમામ મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ પણ આ પ્રસંગે રાજધાટ પહોંચી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ દેશવાસીઓને સંબોધન કર્યું
મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ગાંધી જયંતિની શુભેચ્છાઓ સાથે, તેમણે ગાંધીજીના દર્શનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપ્યો.
મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે
મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. કેન્દ્ર સરકારના જલ જીવન મિશનનો ઉદ્દેશ 2024 સુધીમાં ગ્રામીણ ભારતના તમામ ઘરોમાં નળના જોડાણ દ્વારા સુરક્ષિત અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. મોદી દિવસના લગભગ 11 વાગ્યે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપલી ગામના લાભાર્થીઓ સાથે વાત કરશે. પ્રધાનમંત્રી અન્ય કેટલાક રાજ્યોના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતની 14,250 ગ્રામ પંચાયતોમાં સવારે 10 થી 11 દરમિયાન 'ગ્રામસભા' નું આયોજન કરવામાં આવશે. પીંપલીના રહેવાસીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીત આ તમામ ગ્રામસભાઓમાં લાઇવ ટેલિકાસ્ટ થશે.
આ પણ વાંચો : રોમાંચક મનોરંજનની દુનિયાની મોજ કરાવતી રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબરથી ફરી ખુલશે
આ પણ વાંચો : ... તો આ રીતે બાપુથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી