- વસઈમાં કથિત રીતે ઓક્સિજનની અછતથી 10 લોકોના મોત
- વસઈમાં 7 હજાર એક્ટિવ કેસમાંથી 3 હજારને સતત ઓક્સિજનની જરૂર
- સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને મદદ માટે કરાઈ અપીલ
પાલઘર: ગુડી પડવાના દિવસે જ વસઈમાં કોરોનાની સારવાર મેળવી રહેલા 10 દર્દીઓનું કથિત રીતે ઓક્સિજન ન મળવાથી મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૌથી વધારે મોત ટેર્ટિઅરી કેર સેન્ટર અને નાલા સોપારામાં આવેલી વિનાયક હોસ્પિટલમાં નોંધાયા છે. જોકે, હોસ્પિટલો દ્વારા ઓક્સિજનની અછત સર્જાઈ હોવાના આક્ષેપો ફગાવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે,દર્દીઓ અગાઉથી ગંભીર કો-મોર્બિડિટી ધરાવતા હોવાથી તેમના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો: કોવિડ-19: ઓક્સિજનની ખેંચ અને ક્ષમતા
3 લોકો પહેલાથી જ જીવ ગુમાવી ચૂક્યા છે
નાલા સોપારાના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે જણાવ્યું હતું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું આ ઘટના પર ધ્યાન દોરવા માંગુ છું. વસઇ તાલુકામાં ઓક્સિજનની તીવ્ર અછત છે. નોંધનીય છે કે, હયાત જથ્થો ફક્ત ત્રણ કલાક સુધી ચાલી શકે છે. દુર્ભાગ્યવશ, અમારા વિસ્તારમાં ઓક્સિજનનો પુરવઠો ન હોવાથી 3 લોકો પહેલાથી જ જીવ ગુમાવી ચૂક્યા છે. આ ગંભીર બાબતને તપાસવા અને વસઈને પૂરતો ઓક્સિજન પુરવઠો પૂરો પાડવાની વિનંતી કરું છું. જેથી કોઈ વધુ જાનહાની થાય નહિ." તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પણ આ ઘટનામાં હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય? તમે જાણવા માંગો છો?
BJPએ સ્થાનિક પ્રશાસન પર કર્યા પ્રહાર
ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષના નેતા પ્રવિણ ડેરેકર અને પૂર્વ સાંસદ કિરિટ સોમૈયાએ સ્થાનિક પ્રશાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુડી પડવાના દિવસે સર્જાયેલી આ ઘટના ખુબ જ દયનીય છે. પ્રશાસને આ બાબત પર ધ્યાન આપવુ જોઈએ. હાલમાં લોકડાઉન નહિ, પણ ઓક્સિજન બેડ, ICU બેડ, વેન્ટિલેટર્સ, રેમડેસીવીરની જરૂર છે.