નિવાસ(મધ્ય પ્રદેશ): ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશમાં જીત મેળવી છે પરંતુ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા ફગ્ગન સિંઘ કુલાસ્તે પોતાની બેઠક હારી ગયા છે. 64 વર્ષીય ફગ્ગન સિંઘ આદિવાસી સમાજ અગ્રણી અને ભાજપના દિગ્ગજ નેતા છે. કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારમાં ફગ્ગન સિંઘ ગ્રામીણ વિકાસ પ્રધાન છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ આ બેઠક પર ખૂબ જ વ્યાપક ચૂંટણી પ્રચાર કર્યો હોવા છતાં ભાજપના આ દિગ્ગજ નેતાએ હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ભાજપની હાર એ ભાજપને મોટો ઝટકો લાગવા બરાબર છે
ફગ્ગન સિંઘ કુલાસ્તે તેમના હરિફ અને કૉંગ્રેસના ચૈન સિંહ વારકડે સામે 11,000 મતોથી હાર્યા છે. ફગ્ગન સિંઘને કુલ 83,000 મતો મળ્યા છે જ્યારે ચૈન સિંહને કુલ 94,419 મતો મળ્યા છે.
ભાજપને મધ્ય પ્રદેશમાં ફરીથી સરકાર બનાવવાની તક મળી છે. ભાજપે દરેક એક્ઝિટ પોલ ખોટા પાડી દીધા છે. ચૂંટણી પંચ અનુસાર ભાજપે 159 બેઠકો પર જીત મેળવી લીધી છે. તેથી કુલ 230 વિધાનસભા બેઠક ધરાવતા મધ્ય પ્રદેશમાં સ્પષ્ટ જનમત મેળવી લીધો છે.
ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ ફરીથી મુખ્ય પ્રધાન બને તેવી પૂરી સંભાવના છે. રવિવાર સાંજે વડા પ્રધાન મોદી ભાજપના કાર્યકર્તાઓને ભાજપના હેડ ક્વાર્ટરમાં સંબોધન કરશે. ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સરકાર બનાવશે. આ રાજ્યોમાં સત્તાધીશ પાર્ટી કૉંગ્રેસને જનતાએ જાકારો આપ્યો છે. ભાજપના નેતાઓ નફરતનું રાજકારણ હાર્યુ અને વિકાસનું રાજકારણ જીત્યું તેમ જણાવી રહ્યા છે.