નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને લઈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ આ માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને ગૃહ મંત્રાલયને જવાબદાર ઠેરવ્યા છે. કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, દિલ્હીના લોકો આજે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ઉલ્લેખનિય છે કે, રાજધાની દિલ્હીમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અનેક ગુનાહિત ઘટનાઓ સામે આવી છે.
જો દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી લેફ્ટનન્ટ ગવર્નરની જગ્યાએ આમ આદમી પાર્ટીની સરકાર પાસે હોત તો રાષ્ટ્રીય રાજધાની સુરક્ષિત હોત.-- અરવિંદ કેજરીવાલ (મુખ્યપ્રધાન,દિલ્હી)
આપનો આક્ષેપ : આમ આદમી પાર્ટીએ અગાઉ પણ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના પર શહેરમાં કથિત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને નિશાન સાધ્યું હતું. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કાયદા અને વ્યવસ્થાની આ સ્થિતિ અંગે લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી પોલીસ પર નિશાન સાધ્યું હતું.
ગુનાનો ગ્રાફ : ઉલ્લેખનીય છે કે, રવિવારે દિલ્હીના આર.કે. પુરમમાં ઝઘડામાં 2 સગી બહેનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ દિવસે દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ રાજધાની દિલ્હીમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેના માટે આમ આદમી પાર્ટીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને ગૃહ મંત્રાલયને અનેકવાર જવાબદાર ગણાવ્યા છે. આજે ફરી એકવાર CM કેજરીવાલે દિલ્હીમાં બગડતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે LG ને પત્ર લખ્યો છે.