- તમિલનાડુના મુખ્યપ્રધાન બનવા કમલ હાસન મેદાને
- કમલહાસન કોઈમ્બતુર (દક્ષિણ)થી લડશે ચૂંટણી
- 6 એપ્રિલે તમિલનાડુમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
આ પણ વાંચોઃ તમિલનાડુમાં કમલ હાસનની કાર પર હુમલો
તમિલનાડુઃ તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો પ્રચાર માટે મેદાને ઊતર્યા છે ત્યારે હવે કમલ હાસન ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે તેવા આક્ષેપો સહિતના વિવિધ મુદ્દે તેમની સાથે થયેલી વાતચીતના અંશોઃ
આ પણ વાંચોઃ મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?
પ્રશ્નઃ ગૃહિણીઓને પગાર આપવાનું તમે વચન આપ્યું છે તે શું સશક્તિકરણની વિરૂદ્ધમાં નથી?
જવાબઃ મહિલાઓ કામ કરે છે અને દેશના GDPમાં ફાળો આપે છે. અમે અર્થતંત્રમાં નારીની ભૂમિકાને સ્વીકારી રહ્યા છીએ અને તે રીતે તેમને ગુલામ બનાવવાની વાત નથી, પરંતુ તેમના પ્રદાનનો સ્વીકાર કરવાની વાત છે. ગૃહિણીને પગાર આપવામાં આવશે તેનો મતલબ એ નથી કે તેમને ઘરથી બહાર નીકળવું નહીં. સ્ત્રીઓ ભણવા જઈ શકે છે, નોકરી કરી શકે છે. તેમને પગાર તરીકે અપાતી રકમ એક જાતનું રોકાણ છે, આ માનવ સંસાધન છે. આપણે આજ સુધી આ વાતનો સ્વીકાર કર્યો નથી તે માત્ર અવગણના નહીં, આપણી મૂર્ખામી છે. અમે તે સ્થિતિ દૂર કરવા માગીએ છીએ. એક સદી પહેલાં મજૂરો માટે માત્ર 8 કલાક કામ કરવાની દરખાસ્ત વિચિત્ર લાગતી હતી. તેથી આજે અમે આ વાત કરી રહ્યા છીએ ત્યારે તે વિચિત્ર લાગશે. આખરે આ તેમનો હક છે. અમે તો એમ જ માનીએ છીએ.
પ્રશ્નઃ તમારા પક્ષના નામમાં જ કેન્દ્ર છે (મય્યમ એટલે કેન્દ્ર), તો શું વિખરાયેલા વંચિત સમાજને માટે તમે એક કેન્દ્ર બની શકશો?
જવાબઃ વંચિત લોકોએ કંઈ બીજા ગ્રહ પરથી આવેલા લોકો નથી. તે આપણા ભાઈઓ છે. ઐતિહાસિક અન્યાય, જ્ઞાતિવાદને કારણે આજે તેમની આવી હાલત થઈ છે. તે સ્થિતિને બદલવી એ મારી ફરજ છે. આપણી ફરજ છે. માત્ર 10 લોકો પણ વિકાસથી વંચિત રહી ગયા હોય તોય તેમના માટે કામ કરતાં રહેવું પડે. અમારો એ જ હેતુ છે.
પ્રશ્નઃ તમે અનામત વિશે શું માનો છો?
જવાબઃ કોરાણે ધકેલાઈ ગયેલા લોકો માટે સ્થાન કરી આપવું તે સરકારની ફરજ છે. એક મનુષ્યની બીજા મનુષ્ય તરફની એ ફરજ છે, પરંતુ આપણે કાળજી રાખવી પડે કે આ એક રાજકીય રમત ન બની જાય. માત્ર મુનસફી પ્રમાણે તે ના થવું જોઈએ. તમારે જ્ઞાતિલક્ષી સર્વેના આધારે નિર્ણયો લેવા જોઈએ, પણ ઉતાવળે તે કામ કરી નાખવામાં આવે તે યોગ્ય નથી. તમારા બેન્કમાં પૂરતા પૈસા છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ કોઈને ચેક આપવો જોઈએ. તમારી પાસે નાણાં હોય જ નહીં અને ચેક આપી દો ત્યારે તેને રબ્બર ચેક કહેવાય. તે બાઉન્સ થવાનો. સૌનો સમાવેશ કરનારા સમાજમાં સૌને સ્થાન હોવું જોઈએ. (AIADMK સરકારે અતિપછાત અને ડિનોટિફાઇડ વર્ગ માટેની અનામતમાંથી 10.5% ટકા વન્નિયારને આપવાનો વાયદો આપ્યો છે)
પ્રશ્નઃ શું અરજીઓમાં જ્ઞાતિની કોલમ કાઢી નાખવામાં આવે, તેનાથી જ્ઞાતિવાદ નાબૂદ થશે?
જવાબઃ આ એક શરૂઆત છે. અરજીમાંથી જ્ઞાતિની કોલમ કાઢી નાખવાની વાતની મજાક ના થવી જોઈએ. તમે પૂછો કે કોલમ કાઢી નાખવાથી જ્ઞાતિ દૂર થઈ જશે? ત્યારે એવું લાગે છે કે જાણે તમે જ્ઞાતિઓને ટકાવી રાખવા માગો છો. તમે મને પડકાર ફેંકી રહ્યા છો કે જ્ઞાતિવાદ નાબુદ કરો. આ પડકાર આપણા સૌનો છે.
પ્રશ્નઃ સેવા મેળવવા માટેના અધિકારને કાયદામાં સામેલ કરવા માટેનું તમે કહો છો તે અંગે વધુ જણાવશો.
જવાબઃ આ કોઈ લ્હાણી નથી. લોકોને સેવા મળે તે તેમનો અધિકાર છે. આઝાદીના 70 વર્ષ પછી આવો કાયદો કરવાની જરૂર ઊભી થઈ છે તે જ અફસોસની વાત છે. લોકોને કોઈએ કહ્યું જ નથી કે સરકારી સેવા મેળવવાનો તમારો અધિકાર છે. પ્રથમ તો લોકોને જાગૃત કરવાની જરૂર છે. રાજકારણીઓ પણ આ નથી સમજતા એટલે કશું થયું નથી. લોકોએ રાજકારણીઓ માટે કામ નથી કરવાનું, લોકો કહે તે કામ રાજકારણીઓએ કરવાનું હોય.
પ્રશ્નઃ સામાજિક ન્યાય વિશે શું માનો છો?
જવાબઃ સામાજિક ન્યાય બધા માટે છે. તે માત્ર ટકાવારીના આધારે નથી. જ્યાં સુધી તે સિદ્ધ ના થાય ત્યાં સુધી આપણા વડવાઓએ આપેલી યોજનાઓ ચાલુ રાખવી પડે. તેના પાયા પર કામ થવું જોઈએ
પ્રશ્નઃ કમલ હાસન ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે એવી વાતો ચાલે છે. તેના વિશે શું કહેશો?
જવાબઃ તે લોકો આવી વાતો ફેલાવી રહ્યા છે. મને જાણનારા લોકો સાચી વાત જાણે છે. મારું નામ કમલ હાસન છે. પણ ના તમારા નામમાં જ કમળ છે તો પછી શંકા જાય. આવી રીતે શંકા કરવી હોય તો કર્યા કરો. સાચું જાણનારા આવી શંકા નહીં કરે. મને જાણનારા, મારી વાતોને સાંભળનારા કહેશે કે આવી વાત ખોટી છે. જે લોકો આ રીતે મને ભાજપના રંગમાં રંગવા માગતા હોય તો તે રંગ ઉતરી જવાનો છે. તમે કહ્યું તે પ્રમાણે હું વિશ્વરૂપમ લઈશ ત્યારે તે લોકોનો રંગ ઉતરી જવાનો છે.
પ્રશ્નઃ કોઈમ્બતૂરના સાંસદ કહે છે કે, તમે ભાજપની અને મુખ્ય પ્રધાનની ટીકાઓ નથી કરતા. તમે શું કહેશો?
જવાબઃ તેમણે મારા ભાષણો ધ્યાનથી સાંભળ્યા નથી. તે લોકો બીજાની વાતો સાંભળતા જ નથી. આ જ વાસ્તવિકતા છે.
પ્રશ્નઃ રાજ્યની આર્થિક સ્થિતિને તમે કેવી રીતે સુધારશો, તમારી યોજનાઓ શું છે?
જવાબઃ સરકારનો આધાર વેરા પર અને સરકારી વિભાગ દ્વારા વેચાતા દારૂની આવક પર છે. ઉદ્યોગો પર બોજ નાખવાના બદલે આપણે તેમનું કામ સરળ બનાવવું જોઈએ. નાના, લઘુ અને મધ્યમ કદના એકમો વધારે સારી રીતે ચાલે તે રીતે માલિકો અને કર્મચારીઓને મદદ કરવી જોઈએ. પ્રામાણિકતાથી જ સરકારની આવક વધશે. અમે તે હાંસલ કરવા કોશિશ કરીશું. આપણે પ્રામાણિક હતા ત્યારે સુખી હતા. અમે તે સ્થિતિ પાછી લાવવા માગીએ છીએ. અમારો મંત્ર છે ‘ચાલો પુનરુત્થાન કરીએ’.