- અયોધ્યાને વૈશ્વિક કક્ષાનાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારીઓ શરૂ
- અયોધ્યાનાં વિકાસ માટે કુલ 7 કંપનીઓએ ભર્યા હતા ટેન્ડર
- મંગળવારનાં રોજ લખનઉ ખાતે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો નિર્ણય
અયોધ્યા: મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનાં જન્મસ્થળ અયોધ્યાને વૈશ્વિક કક્ષાનાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અને અયોધ્યાનાં સર્વાંગી વિકાસ માટે 26 ડિસેમ્બરનાં રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કુલ 7 કંપનીઓએ ટેન્ડર ભર્યા હતાં. આ 7 કંપનીઓ પૈકી 6 કંપનીઓની બિડ માન્ય રખાઈ હતી. 5 ફેબ્રુઆરીનાં રોજ ટેકનિકલ બિડ તેમજ પ્રેઝન્ટેશન બાદ મૂલ્યાંકન સમિતિએ 3 કંપનીઓનાં ટેન્ડરને પસંદગીનાં છેલ્લા તબક્કા માટે પસંદ કર્યા હતા. પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મંગળવારનાં રોજ લખનઉ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી.
25 અઠવાડિયામાં રજૂ કરાશે રિપોર્ટ
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીનાં વાઇસ પ્રેસિડેન્ટ અને સચિવ સભ્ય વિશાલસિંહે કહ્યું કે, બિડીંગનાં છેલ્લા તબક્કામાં પ્રવેશનારી કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર લિમિટેડ, લી એસોશિએટ્સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈપી ગ્લોબલ લિમિટેડનો સમાવેશ થાય છે. જેમાંથી લી એસોશિએટ્સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડની પસંદગી કરવામાં આવી છે. પસંદ કરાયેલી કંપની L&T, IAL અને સી.પી.કુકરેજાનું સંયુક્ત સાહસ છે. જેના દ્વારા અયોધ્યાના સર્વાંગી વિકાસ અને તેના અમલીકરણ માટે વ્યૂહરચના બનાવીને 25 અઠવાડિયામાં મુદ્દાસર પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરશે.