શિવમોગ્ગા (કર્ણાટક): આઝાદીના અમૃત કાળમાં ચિંતન કરવા લાયક એક કિસ્સો કર્ણાટકથી સામે આવ્યો છે. કર્ણાટકના શિવમોગ્ગા શહેરથી 20 કિલોમીટર દૂર આવેલા બે ગામોને આઝાદીના દાયકાઓ બાદ વીજળી પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ગામ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા જિલ્લામાં સમાવિષ્ટ છે. લગભગ છ દાયકાના સંઘર્ષના પરિણામે આજે આ ગ્રામજનોએ વીજળીના દર્શન કર્યા છે.
![પ્રાથમિક સુવિધાઓ માટે કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-12-2023/20232630_01.png)
આ બંને ગામ શેટ્ટીહલ્લી વન્યજીવ અભયારણ્યમાં આવેલા છે. ભારે સંઘર્ષ બાદ વીજ જોડાણ આપવાનું કામ ગત વર્ષથી શરૂ થયું હતું. પુરાદાલુ ગામમાંથી UG (અંડરગ્રાઉન્ડ) વીજ જોડાણ આપવામાં આવ્યું છે. અહીં ગામના દરેક ઘરને અલગથી વીજળીની સુવિધા મળી છે.
આ બંને ગામની રચનાનો ઇતિહાસ પણ ખુબ રોચક છે. શેટ્ટીહલ્લી અને ચિત્રશેટ્ટીહલ્લી ગામોની રચના 1962માં કરવામાં આવી હતી. શરાવતી નદી આસપાસ જળાશયોનું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે આ બંને ગામ અસ્તિત્વમાં આવ્યા હતા. આ પહેલા તે ગાઢ જંગલ વિસ્તાર હતો. હિરે ભાસ્કર ડેમ સૌપ્રથમ શરાવતી નદી પર બાંધવામાં આવ્યો હતો. પાછળથી લિંગનામક્કી જળાશયના નિર્માણથી આ ગામોની રચના થઈ હતી.
લિંગનામક્કી જળાશયના બેકવોટરમાં સેંકડો ગામો ડૂબી ગયા પછી, ત્યાંના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે કોઈની પાસે ઘર પણ નહોતું. ખેતી કરવા માટે જમીન નહોતી. બાદમાં ગ્રામજનો આસપાસના વિસ્તારમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. શિવામોગા શહેરની અલગ-અલગ હોસ્ટેલમાં બાળકો અભ્યાસ કરે છે.
આ ગામોના લોકો લઘુત્તમ પ્રાથમિક સુવિધાઓ વિના સંઘર્ષ કરી રહ્યા છે. ગ્રામજનોએ સરકાર પાસે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરી છે. આ સંદર્ભે વર્ષ 2014માં હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવતાં તેમને રોડ, પીવાનું પાણી, વીજળી, પાયાની સુવિધાઓ આપવાનો આદેશ કરાયો હતો. હવે મેસ્કોમ દ્વારા દરેક ઘરમાં વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું છે, જેનાથી ગ્રામજનોના ચહેરા પર સ્મિત આવી ગયું છે.
'અમને 1962માં અહીં લાવવામાં આવ્યા હતા. અમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ઘણો સંઘર્ષ અને વિનંતીઓનો કોઈ ફાયદો થયો નથી. બાળકો નાની ઉંમરે શિક્ષણ માટે શિવમોગ્ગા શહેરમાં સ્થળાંતરિત થયા હતા. તેમણે કહ્યું કે તેઓ ખુશ છે કે ઘરોમાં વીજળી આવી છે.' -ઉમાપતિ, શેટ્ટીહલ્લી ગામના રહેવાસી
અમે છેલ્લા 15 વર્ષથી સોલાર લાઇટનો ઉપયોગ કરીએ છીએ. વીજ કનેકશન મળવાથી અમારા સંઘર્ષના પ્રાથમિક તબક્કાની જીત થઇ છે. હવે અમારા ગામોમાં વીજળી આવી ગઈ છે. હવે અમારી માંગ છે કે સ્તાઓ બનાવવામાં આવે અને હોસ્પિટલ, મોબાઈલ ટાવર આપવામાં આવે અને શાળાઓમાં કાયમી શિક્ષકો આપવામાં આવે.' -કૃષ્ણપ્પા, ચિત્રશેટ્ટીહલ્લી ગામના રહેવાસી