બેંગલુરુ(કર્ણાટક): કર્ણાટક સરકારે આજથી ઓલા, ઉબર અને રેપિડોની એપ પર ઓટોરિક્ષાનું ઓનલાઈન બુકિંગ ગેરકાયદેસર બનાવી દીધું છે. મંગળવારે કર્ણાટક ટ્રાન્સપોર્ટ અને રોડ સેફ્ટી વિભાગ અને મોબિલિટી પ્લેયર્સના પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાયબર ડિવિઝનને પત્ર: રાજ્ય પરિવહન કમિશનર ટી. એચ. એમ કુમારે એમ પણ જણાવ્યું હતું કે, "જ્યાં સુધી સરકાર નિર્ણય ન લે ત્યાં સુધી રેપિડો, ઓલા અને ઉબર જેવા રાઈડ પ્લેટફોર્મ ઓટોરિક્ષાની સેવાઓ પ્રદાન કરી શકશે નહીં. અમારુ ડિપાર્ટમેન્ટ ઓટોરિક્ષા સેવાઓ બંધ કરવા માટે સાયબર ડિવિઝનને પત્ર લખશે. અમે ઓટોરિક્ષાઓ સામે નહીં પરંતુ માત્ર ઓલા-ઉબર સામે પગલાં લઈશું. અમે કંપનીઓને પ્રતિ વાહન 5,000 રૂપિયાનો દંડ કરીશું. રાજ્યના ઑન-ડિમાન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી એગ્રીગેટર્સ નિયમો આ કંપનીઓને ઑટો-રિક્ષા સેવાઓ ચલાવવાની મંજૂરી આપતા નથી, કારણ કે તે માત્ર ટેક્સીઓ સુધી મર્યાદિત હતી. એગ્રીગેટર્સ સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને ઓટોરિક્ષા સેવાઓ પૂરી પાડે છે. તેમજ સરકાર દ્વારા નક્કી કરાયેલા દરો કરતા ગ્રાહકો પાસેથી વધુ રકમ વસૂલવામાં આવી રહી હોવાનું વિભાગના ધ્યાને આવ્યું છે."
નવી અરજી આપવી પડશે: ટેક્સી એગ્રીગેટર્સે ઓટોરિક્ષા સેવાઓ ફરી શરૂ કરવા માટે નવી અરજી આપવી પડશે, (Karnataka govt orders Ola Uber Rapido to stop auto)પરંતુ જ્યાં સુધી સરકાર સંંમતી ના આપે, ત્યાં સુધી ડિપાર્ટમેન્ટે તેમની મોબાઇલ એપ્લિકેશન પર ઓટોરિક્ષા બુક કરવાનું બંધ કરવાની કડક સૂચના આપી છે.
વધુ ચાર્જ વસૂલવાનો આરોપ: પરિવહન વિભાગે ઑક્ટોબર 6 ના રોજ ઓલા, ઉબર અને રેપિડોને નોટિસ પાઠવીને ઓટોરિક્ષા સેવાઓને 'ગેરકાયદેસર' કહીને સંચાલિત ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિભાગે કંપનીઓ પર ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસૂલવાનો પણ આરોપ લગાવ્યો હતો. દરમિયાન મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે "તેમણે ઓટોરિક્ષા સેવાઓ ચલાવતા ટેક્સી એગ્રીગેટર્સ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે વાત કરી હતી અને તેમને ખાતરી કરવા કહ્યું હતું કે કોઈ પણ કંપની લાયસન્સ વિના કામ ન કરે."