- સુરેન્દ્રકુમાર યાદવે ઉત્તરપ્રદેશના નવા નાયબ લોકાયુક્ત તરીકે શપથ લીધા
- રાજ્યપાલ આનંદીબેને 6 એપ્રિલે યાદવને 3જા ઉપલોકાયુક્ત તરીકે કરી નિયુક્તિ
- લોકાયુક્ત બિન રાજકીય પૃષ્ઠભૂમિવાળા વ્યક્તિ હોય છે
લખનઉ: નિવૃત્ત ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ગયા વર્ષે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેઓએ ઉત્તરપ્રદેશના નવા નાયબ લોકાયુક્ત તરીકે શપથ લીધા હતા. સત્તાવાર નિવેદન મુજબ રાજ્યપાલ આનંદીબેન પટેલે 6 એપ્રિલે યાદવને રાજ્યના 3જા નાયબ લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા હતા. સોમવારે લોકાયુક્ત સંજય મિશ્રાએ યાદવને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ પણ વાંચો: બાબરી કેસઃ CBI કોર્ટનો મોટો ચૂકાદો, કોર્ટે કહ્યું- આ ઘટના ષડયંત્ર નહોતી, તમામ 32 આરોપી નિર્દોષ જાહેર
લોકાયુક્ત ભ્રષ્ટાચાર મુદ્દે કામ કરે છે
લોકાયુક્તએ ભ્રષ્ટાચારને લગતા કેસોની સુનાવણી માટે એક સંસ્થા છે. લોકાયુક્ત બિન રાજકીય પૃષ્ઠભૂમિવાળા વ્યક્તિ હોય છે. ભ્રષ્ટાચાર, સરકારી ગેરવહીવટ કે પ્રધાનો અથવા સરકારી સેવકો દ્વારા સત્તાનો દુરુપયોગ જેવા કેસોની તપાસ કરવા સંવૈધાનિક અધિકારની જેમ કાર્ય કરે છે.
આ પણ વાંચો: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: પૂર્વ CM અને રાજ્યપાલ કલ્યાણસિંહને કોર્ટનું સમન્સ
ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ આ નિર્ણય આવ્યો હતો
યાદવે 30 સપ્ટેમ્બર 2020ના રોજ CBIના વિશેષ ન્યાયાધીશ તરીકેના ચૂકાદામાં 6 ડિસેમ્બર 1992ના બાબરી વિધ્વંસ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણ સિંહ શામેલ છે. યાદવે આદેશમાં કહ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કોઈ નિર્ણાયક પુરાવા નથી અને 6 ડિસેમ્બર 1992ના રોજ જે કંઈ બન્યું તે કાવતરું નહીં પણ અચાનકથી બનેલો બનાવ હતો. આ કેસમાં, 49 લોકો પર આ કેસમાં આરોપ મુકાયા હતા. તેમાંથી 17 લોકો મૃત્યુ પામ્યા છે અને બાકીના 32 આરોપીઓને 28 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરના રોજ અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા.