નવી દિલ્હી : કોંગ્રેસ દ્વારા JD-S અને BJP ગઠબંધન અંગે આકરા આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, 2024 ની લોકસભા ચૂંટણીને લઈને જનતા દળ (સેક્યુલર) અને ભાજપ વચ્ચેના ગઠબંધનને કર્ણાટકમાં આંચકો લાગ્યો છે. કારણ કે ગઠબંધનની સમજૂતી અંગેની જાહેરાતના થોડા જ દિવસોમાં ઘણા મુસ્લિમ નેતાઓએ પ્રાદેશિક પક્ષ છોડી દીધો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ગઠબંધનની કોઈ અસર નહીં થાય કારણ કે કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ગ્રાઉન્ડ વર્ક શરૂ કરી દીધું છે.
JD-S અને BJP ગઠબંધન : કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર JD-S અને BJP ગઠબંધનની સત્તાવાર જાહેરાત થયાના થોડા દિવસોમાં જ જનરલ સેક્રેટરી અને શિમોગા એકમના પ્રમુખ, ઉપપ્રમુખ શફીઉલ્લાહ અને મીડિયા પ્રવક્તા સહિત કેટલાક JD-S મુસ્લિમ નેતાઓએ રાજીનામું આપી દીધું હતું. ઉપરાંત દેવદુર્ગા વિધાનસભા બેઠકના જેડી-એસ ધારાસભ્ય કરેમ્મા નાયકે આ ગઠબંધન પર પ્રહાર કરતા ભાજપને આદિવાસી વિરોધી પક્ષ ગણાવ્યો હતો. મળતી માહિતી અનુસાર તુમકુર ગ્રામીણના પૂર્વ JD-S ધારાસભ્ય ગૌરી શંકર રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
JD-S પર આક્ષેપ : રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રકાશ રાઠોડે કહ્યું કે, મુસ્લિમ નેતાઓ જેડી-એસ છોડી રહ્યા છે. જેમણે હતાશામાં ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જેડી-એસનો વોટ શેર ઘટ્યો હતો. જોકે, તેઓ ભાજપ પર વિશ્વાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ ગંઠબંધનથી બંનેમાંથી એક પણને મદદ મળશે નહીં. વાસ્તવમાં આનાથી કોંગ્રેસને મદદ મળશે. JD-S એક તકવાદી પાર્ટી છે અને તેમાં ધર્મનિરપેક્ષ જેવું કંઈ જ નથી.
JD-S અને BJP વચ્ચે ગઠબંધનના થોડા દિવસોમાં જ પ્રાદેશિક પક્ષને નુકસાન થયું છે. આ કારણોસર ઘણા મુસ્લિમ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આ ગઠબંધનની કોંગ્રેસ પર કોઈ અસર નહીં થાય. -- અભિષેક દત્ત (AICC સચિવ)
ગઠબંધન પર ચાબખા : પ્રકાશ રાઠોડે વધુમાં કહ્યું કે, JD-S દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે મૌન સમજૂતી કરવામાં આવી હતી. જ્યાં તેમણે ઘણી બેઠકો પર કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હુમનાબાદ બેઠક પર એક સંયુક્ત મુસ્લિમ ઉમેદવાર ઉતારવામાં આવ્યો હતો, જ્યાં અમે હારી ગયા. ભાજપ વંશવાદી રાજકારણને લઈને કોંગ્રેસને નિશાન બનાવી રહ્યું છે. પરંતુ હવે તેણે પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને તેમના પુત્ર એચ.ડી. કુમારસ્વામી દ્વારા સંચાલિત JD-S સાથે હાથ મિલાવી ગઠબંધન કર્યું છે.
ભાજપ પર ચાબખા : વરિષ્ઠ નેતા પ્રકાશ રાઠોડે કહ્યું કે, ભાજપે મહારાષ્ટ્રમાં પણ એવું જ કર્યું હતું. જ્યાં શરદ પવારની પાર્ટીને ભ્રષ્ટ ગણાવ્યાના થોડા દિવસો પછી ભાજપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બળવાખોર અજિત પવાર સાથે હાથ મિલાવ્યા હતો. ભાજપ પક્ષમાં પણ હતાશા છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે ડૂબતી પાર્ટી છે અને જેડી-એસને મદદ કરી શકશે નહીં. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં વ્યાપક પ્રચાર કર્યો, પરંતુ તેઓ ભાજપને હારથી બચાવી શક્યા નહીં. 2024 માં પણ આવું જ થશે.
કોંગ્રેસ નેતાનું નિવદેન : કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 135/224 વિધાનસભા બેઠકોની ઐતિહાસિક જીત બાદ કોંગ્રેસ કર્ણાટકની કુલ 28 લોકસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 20 બેઠકો જીતવાનો વિશ્વાસ ધરાવે છે. 2024 ચૂંટણીની લડાઈ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના નેતાઓને બેઠક મુજબ નિરીક્ષકોની કામગીરી સોંપવામાં આવી છે. ઉપરાંત ફિલ્ડ સર્વેની કામગીરી ચાલી રહી છે. પાંચ ચૂંટણી ગેરંટી લાગુ કરવામાં આવી રહી છે અને તેની અસર મતદારો પર પડશે. લોકોએ જોયું છે કે અમે જે વચન આપીએ છીએ તે પૂરું કરીએ છીએ. પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય એકમના વડા અને નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમાર રાજ્યમાં લોકસભાની વ્યૂહરચનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ ઘણા ભાજપ અને JD-S બળવાખોરોને કોંગ્રેસમાં સામેલ કરી શકે છે.