મુંબઈ : છેલ્લા બે દિવસથી ભારતીય બજારોમાં સપાટ અને નબળું પ્રદર્શન રહ્યું હતું. નબળી શરુઆત બાદ નજીવા વધારા સાથે બજાર બંધ થતું હતું. ત્યારે આજે આ તેજીને બ્રેક લાગી છે. શેરમાર્કેટના બંને મુખ્ય ઇન્ડેક્સ આજે લાલ રંગમાં ખુલ્યા બાદ વધુ ડાઉન જઈ આખરે ભારે નુકસાની નોંધાવી બંધ થયા હતા. BSE Sensex ઈન્ડેક્સ 388 અને NSE Nifty ઈન્ડેક્સ લગભગ 100 પોઈન્ટ તૂટીને અનુક્રમે 65,151 અને 19,365 પોઈન્ટ પર બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, વિશ્વના તમામ બજારોની આજે આવી જ સ્થિતિ રહી છે. એશિયાઈ માર્કેટ સહિત યુરોપીય અને યુએસ માર્કેટમાં પણ રોકાણકારોનું ધોવાણ થયું હતું.
BSE Sensex : આજે 17 જુલાઈ ગુરુવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 388 પોઈન્ટ (0.59 %) ઘટીને 65,151 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે સવારથી જ સેન્સેક્સ લગભગ 35 પોઈન્ટ ડાઉન 65,503 પર ખુલ્યો હતો. ત્યારબાદ નજીવો ઉછાળો લઈને 65,535.14ની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ સતત વેચવાલીના પગલે 65,046.10 પોઈન્ડ સુધી ડાઉન ગયો હતો. ગતરોજ BSE Sensex 65,539 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 100 પોઈન્ટ (0.51 %) ઘટીને 19,365 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 15 પોઈન્ટ ડાઉન 19,450 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં નજીવી રિકવરી દાખવી 19,461 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ બાદમાં મંદીના વલણને જાળવી રાખી NSE Nifty ડાઉન 19,326 સુધી જ ગયો હતો. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,465 પર બંધ થયો હતો.
સાર્વત્રિક ધોવાણ : અમેરિકાના ફેડરલ રિઝર્વ બોર્ડની જુલાઈમાં મળેલી મિટિંગની મિનિટ્સ આજે જાહેર થવાની છે. જેમાં ફેડરલ રિઝર્વ બોર્ડ ફેડરલ રેટ અંગે શું નિર્ણય લેશે અને શું માની રહી છે તે નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ સમાચાર પાછળ માર્કેટમાં સાવચેતીરૂપી ટ્રેડીંગ થયું હતું. તેજીવાળા ઓપરેટરોએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. તો સાથે એફઆઈઆઈની પણ વેચવાલી નીકળી હતી. એશીયાઈ અને યુરોપીયન સ્ટોક માર્કેટની ભારતીય શેરબજારના સેન્ટીમેન્ટ પર અસર જોવા મળી હતી.
ટોપ ગેઈનર શેર : BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ટાઈટન કંપની (2.10 %), SBI (1.19 %), બજાજ ફાઈ. (0.53 %), ટેક મહિન્દ્રા (0.53 %) અને એક્સિસ બેંકનો (0.43 %) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં આઈટીસી (-2.04 %), પાવર ગ્રીડ કો. (-1.67 %), રિલાયન્સ (-1.44 %), લાર્સેન (-1.40 %) અને નેસ્ટેલનો (-1.22 %) સમાવેશ થાય છે.
ભારતીય માર્કેટ : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 986 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1062 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, રિલાયન્સ અને SBIના સ્ટોક રહ્યા હતા.