- કોરોનાના કેસ 44 હજારને પાર કરી ગયા
- દિલ્હીમાં દરરોજના કોરોનાના 800થી વધુ નવા કેસ
- ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી
નવી દિલ્હી : દેશભરમાં જોવા મળી રહેલા કોરોનાના નવા કેસ 44 હજારને પાર કરી ગયા છે. દિલ્હીમાં જ માત્ર દરરોજના 800થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. સરકાર લોકોને અપીલ કરી રહી છે કે, માસ્ક પહેરો અને ભીડમાં રહેવાનું ટાળો. પરંતુ આની વચ્ચે સંસદની કાર્યવાહી ચાલી રહી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને હવે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
સાંસદ એન.ડી.ગુપ્તાએ ગૃહને સ્થગિત રાખવાની માંગ કરી
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ એન.ડી.ગુપ્તાએ માંગ કરી છે કે, કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી રહી છે. એન.ડી. ગુપ્તાએ રાજ્યસભાના પ્રમુખ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આ વિશે પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી એન.ડી. ગુપ્તાએ કહ્યું છે કે, દેશમાં કોરનાની સ્થિતિ ઉંચાઇએ જતી જોવા મળે છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો, રાજ્યસભા સ્થગિત
ગૃહના સભ્યોની સરેરાશ ઉંમર 62 વર્ષ
એન.ડી.ગુપ્તાએ લખ્યું છે કે, ગૃહના સભ્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તમને કાર્યવાહી સ્થગિત કરવા અપીલ કરીએ છીએ. આ પત્રમાં એનડી ગુપ્તાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ગૃહના સભ્યોની ઉંમર સરેરાશ 62 વર્ષ છે અને બધા વરિષ્ઠ નાગરિક છે. આવી સ્થિતિમાં ગૃહની કાર્યવાહી તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્થગિત રાખવી જોઈએ.
8 એપ્રિલ સુધી કાર્યવાહી યોજાશે
આજે જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. એનડી ગુપ્તાએ પણ પોતાના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે, સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો 8 માર્ચથી શરૂ થયો છે અને 8 એપ્રિલ સુધી ચાલશે. પરંતુ દેશમાં ફરીથી કોરોના જે રીતે માથું ઉંચકી રહ્યો છે તે જોતા, ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની માંગણી ઉભી થઈ છે.