ઇમ્ફાલ: ગુરુવારે રાત્રે રાજ્યની રાજધાની ઇમ્ફાલની સીમમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ ઘટના બની હતી. સુરક્ષા દળોએ હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરી નાખી હતી.
ટીયર ગેસના શેલ છોડ્યા: પ્રદર્શનકારીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બાદ ગઈકાલે બે જિલ્લા ઈમ્ફાલ પૂર્વ અને પશ્ચિમમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ દેખાવકારોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. પ્રદર્શનકારીઓએ નજીકના રોડ પર ટાયરો પણ સળગાવ્યા હતા. રેપિડ એક્શન ફોર્સ (RAF) અને રાજ્ય પોલીસ દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સત્તાવાળાઓએ દૃશ્યતા ઘટાડવા અને વિરોધીઓ માટે આગળ વધવું મુશ્કેલ બનાવવા માટે સમગ્ર વિસ્તારમાં વીજળી કાપી નાખી હતી.
ફરી શરૂ થઈ હિંસા: મણિપુરના બે યુવકોના મૃત્યુ અને તેમના મૃતદેહોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ફરીથી મણિપુર સળગી ઉઠ્યું છે. વિદ્યાર્થીઓની બેકાબુ ભીડે ઈમ્ફાલ પશ્ચિમના ડીસી ઓફિસમાં તોડફોડ કરી છે. તેમજ બે વાહનોને સળગાવી દીધા છે. મણિપુરમાં બે યુવકોના મોતને લઈને વિદ્યાર્થીઓએ હિંસક દેખાવો કર્યા હતા. ટોળાએ ગુરુવારે વહેલી સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને બે વાહનોને આગ ચાંપી દીધી હતી.
ભીડને 100 મીટર દૂર અટકાવી: પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ત્યાં રહેતા નથી તે નસીબદાર છે. તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં રહે છે. તેમણે કહ્યું કે ઈમ્ફાલના હિંગંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોના બે જૂથ અલગ-અલગ દિશામાંથી આવ્યા. સુરક્ષા દળોએ ભીડને ઘરથી લગભગ 100 મીટર દૂર રોકી હતી.
તપાસ માટે સમિતિની રચના કરશે: મણિપુર સરકારે ગુરુવારે 'સશસ્ત્ર દળો દ્વારા બળના અતિશય ઉપયોગ' ના આરોપોની તપાસ કરવા માટે એક સમિતિ બનાવવાનું નક્કી કર્યું. આ કમિટીનું નેતૃત્વ આઈજીપી એડમિન મણિપુર કરશે અને કોઈ પણ કર્મચારી અતિરેક કરશે તેની સામે પગલાં લેશે. મણિપુર સરકારે ગુરુવારે છેલ્લા બે દિવસમાં સુરક્ષા દળો દ્વારા દેખાવકારો, મુખ્યત્વે વિદ્યાર્થીઓ પર અતિશય બળના કથિત ઉપયોગની ફરિયાદોને ચકાસવા માટે એક સમિતિની રચના કરી. એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે. દળોએ જનતા સાથે, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારમાં ન્યૂનતમ બળનો ઉપયોગ કરવાની ચર્ચા કરી.