મણિપુર : મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ઈંફાલમાંથી મોટી માત્રામાં હથિયાર, દારૂગોળો અને અન્ય ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ શાંતિપુર, ખમેનલોક અને વાકન વિસ્તારમાંથી હથિયાર અને ગોળા-બારુદ જપ્ત કરવામાં આવ્યા છે.
હથિયારોનો જથ્થો જપ્ત : આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા શસ્ત્રોમાં 3 AK-47/56 સાથે અન્ય 36 હથિયાર, 4 કાર્બાઇન મશીનગન, 7 SLR અને 82 હેન્ડ ગ્રેનેડ સહિત 1,615 રાઉન્ડ દારૂગોળો અને વિસ્ફોટકો સામેલ હતા. તેમજ સુરક્ષા દળો દ્વારા બુલેટપ્રુફ જેકેટ, વોકીટોકી વગેરે સહિત 132 અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન જપ્ત કરાયેલા હથિયારો અને વસ્તુઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સગોલમાંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સ્થિતિ નિયંત્રણમાં છે.
મુખ્યપ્રધાનની જાહેરાત : 19 ઓક્ટોબરના રોજ મણિપુર પોલીસના 132 માં સ્થાપના દિવસના અવસર પર મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે કહ્યું હતું કે, રાજ્યના વર્દીધારી કર્મચારીઓએ જાતિથી ઉપર ઊઠીને રાજ્યમાં થઈ રહેલા ગુનાઓને રોકવા અને રાજ્યની સંપત્તિના સુરક્ષા માટે કામ કરવું જોઈએ. રાજ્યના મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે વધુમાં કહ્યું હતું કે, જેઓ આત્મસમર્પણ કરી અને સ્વેચ્છાએ તેમના હથિયાર સરેંડર કરે છે તેમની સામે કોઈ FIR નોંધવામાં આવશે નહીં.