- પેગાસસ જાસૂસીકાંડને કારણે વિરોધી પક્ષોને સરકાર પર હુમલો કરવાની મોટી તક
- શું તમારા સ્માર્ટફોનને સ્પાયવેરથી બચાવવો છે? તો જાણો શું કરી શકો છો તેના માટે
- સ્પાયવેર છે કે નહીં તેની 100 ટકા પુષ્ટિ ફોરેન્સિક તપાસ બાદ પણ જાણી શકાતું નથી
હૈદરાબાદ: પેગાસસ જાસૂસીકાંડને કારણે વિરોધી પક્ષોને સરકાર પર હુમલો કરવાની મોટી તક મળી છે. વિપક્ષ આમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે સમગ્ર મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માગ કરી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે પેગસસ સ્પાયવેર કેવી રીતે કાર્ય કરે છે. અને આના કારણે ફોન પર કેટલો ભય રહે છે. ચાલો તેના વિશે જાણીએ.
શું છે પેગાસસ સ્પાયવેર ?
પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર સોફ્ટવેર છે. જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી ગોપનીય અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આને સ્પાયવેર કહેવા પાછળનું કારણ એ છે કે, તેને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે. પેગાસસ બનાવનારી કંપની એનએસઓ (NSO) નું કહેવું છે કે, તેઓ આ સ્પાયવેર અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જ્યારબાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.
કઈ રીતે થાય છે જાસૂસી ?
જો પેગાસસ સ્પાયવેર આપના ફોનમાં આવી ગયો હોય તો તમે 24 કલાક હેકર્સની નજર હેઠળ હશો. તેઓ તમને મળતા મેસેજિસને પણ કોપી કરી શકે છે. આ સ્પાયવેર તમારા ફોનમાં રહેલા ફોટોગ્રાફ્સ અને ફોન કોલ્સના રેકોર્ડિંગ્સ પણ તાત્કાલિક ધોરણે હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આ સ્પાયવેરમાં માઈક્રોફોન એક્ટિવ કરવાની પણ ક્ષમતા છે. જેથી તમારો ફોન જ્યારે પણ આસપાસમાં હોય ત્યારે તમે શું બોલી રહ્યા છો, તે પણ હેકર્સ સાંભળી શકશે. આ સ્પાયવેર માત્ર કોઈ લિંક પર ક્લિક કરવાથી જ નહિં, પરંતુ માત્ર એખ મિસ્ડ કોલથી પણ એક્ટિવ થઈ શકે છે.
સ્માર્ટફોનમાં આ વેરિફિકેશન ટૂલકિટનો કરો ઉપયોગ
આ માટે એમનેસ્ટી ઈન્ટરનેશનલ મોબાઈલ વેરિફિકેશન ટૂલકિટ (MVT)નો ઉપયોગ કરી શકો છો. જોકે, તેનાથી પણ 100 ટકા સાચું પરિણામ નથી મળતું. માત્ર કેટલાક સંકેતો જ મળે છે.
સંભવિત જોખમને ટાળવાના કેટલાક સરળ પગલાઓ
1) તમારા ડિવાઇસનો ઉપયોગ કરતી વખતે ફક્ત જાણીતા અને વિશ્વસનીય સંપર્કો અને સ્રોતની લિંક્સ ખોલો.
2) ખાતરી કરો કે તમારું ઉપકરણ વિશ્વસનીય પેચ અને અપગ્રેડ્સ સાથે અપડેટ થયેલો છે.
3) તમારા ફોનને લોકોની પહોંચથી દૂર રાખો. ઉપકરણ પર પિન, ફિંગર પ્રિન્ટ્સ અથવા ફેસ-લોક રાખો.
4) સાર્વજનિક અને મફત વાઈફાઈ સુવિધાઓ વાપરવાનું ટાળો
5) પોતાના ડિવાઈસના ડેટાને એન્ક્રિપ્ટેડ રાખો.