ચેન્નઈ : સ્ટાર દોડવીર હિમા દાસે 2018માં 400 મીટરની દોડમાં શાનદાર પ્રદર્શન થકી પ્રસિદ્ધિ મેળવી હતી. તે હવે ફરીથી પુનરાગમન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેણે એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવેલી એશિયન ગેમ્સમાં તેની પ્રિય ઇવેન્ટમાં ભાગ લેવા માટે તેને લક્ષ્ય બનાવી દિધુ છે.
ઇજાને કારણે થઇ હતી દૂર - અહીં નેશનલ ઈન્ટર-સ્ટેટ ચેમ્પિયનશિપમાં 100 મીટરની રેસમાં 10.43 સેકન્ડના વ્યક્તિગત સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ હિમાએ કહ્યું કે, “મેં મારા પ્લાનમાંથી 400 મીટરની રેસ છોડી નથી. તે (ઈજામાંથી સાજા થવું) એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે હું ઇજાગ્રસ્ત થઇ હતી, ત્યારે હું 400 મીટર દોડવા માટે સક્ષમ નહોતી,કેમ કે મારી પીઠની જમણી બાજુમા અતિશય દુખાવો થઇ રહ્યો હતો.
ટૂંક સમયમાં કરશે વાપસી - હિમા દાસે વધુમાં જણાવ્યું કે, મારા L4 અને L5 તૂટી ગયા છે. જ્યારે પણ હું દોડું છું ત્યારે તેની મને અસર થાય છે. પછી મેં મારી ફિઝિયોથેરાપી કરી અને ધીમે ધીમે મેં 30 મીટર, 40 મીટર, 50 મીટર, 100 મીટર અને પછી 200 મીટર દોડવાનું શરૂ કર્યું હતું. મારી સ્થિતિ 300 મીટર સુધી સારી રહે છે. હું થોડા સમય પહેલા યુરોપમાં 300 મીટરમા દોડી હતી.
આવનારા સમયમાં દોડશે - હિમા દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ 400 મીટર દોડ ક્યારે શરૂ કરી શકે છે, ત્યારે હિમાએ કહ્યું, "હમણાં નહીં, પરંતુ ચોક્કસપણે તે કરશે. આ વર્ષના અંતમાં થઈ શકે છે. આ સાથે, હું સ્થગિત એશિયન ગેમ્સ માટે 400 મીટરની તૈયારી કરી શકું છું. કારણ કે મને તૈયારી કરવા માટે સમયની જરૂર છે.
ફાઇનલ માંથી બહાર થવાનું કારણ - હિમાને ગયા વર્ષે પટિયાલામાં નેશનલ ઈન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપ દરમિયાન પણ ઈજા થઈ હતી. ઈજાના કારણે તે 100 મિટર રિલે ફાઈનલમાંથી બહાર થઈ ગઇ હતી. તે 200 મીટરની ફાઇનલમાં દોડી હતી પરંતુ પાંચમા સ્થાને રહેવાને કારણે તે ટોક્યો ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવી શકી ન હતી. એશિયન ગેમ્સ અગાઉ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરંતુ યજમાન દેશ ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. તે આવતા વર્ષે યોજાય તેવી શક્યતા છે.