આસારામને જામીન માટે વધુ રાહ જોવી પડશે
કોર્ટે આપ્યો 21 મેના રોજ નવો રીપોર્ટ રજૂ કરવા નિર્દેશ
આસારામની જોધપુરની એઇમ્સમાં કોવિડ-19ની ચાલે છે સારવાર
જોધપુરઃ યૌન ઉત્પીડન કેસમાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદ કાપી રહેલા આસારામ કોરોનાગ્રસ્ત થયાં છે. તેમણે વચગાળાના જામીન માટે હાલ તો રાહ જોવી પડશે. જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં તેમની કોવિડ-19 સંક્રમણની સારવાર ચાલી રહી છે. આસારામે રાજસ્થાન હાઈકોર્ટમાં કોવિડ -19 સહિતની અન્ય બીમારીઓની સારવાર માટે બે મહિનાના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. કોર્ટે આ અંગે સુનાવણી કરતી વખતે અગાઉ થયેલી સુનાવણીનો એઈમ્સ હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. સરકારી વકીલ અનિલ જોશીએ ગુરુવારે રાજસ્થાન હાઇકોર્ટમાં વરિષ્ઠ ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ દેવેન્દ્ર કચ્છવાહાની ખંડપીઠ સમક્ષ એઈમ્સ હોસ્પિટલનો અહેવાલ રજૂ કર્યો હતો. એઈમ્સ હોસ્પિટલના અહેવાલ મુજબ સરકારી વકીલ જોશીએ કોર્ટને જણાવ્યું હતું કે, 05 મેના રોજ આસારામ કોવિડ -19 પોઝિટિવ હોવાની જાણ થઇ હતી, જેના કારણે તેમની કોવિડ -19ની સારવાર થઈ રહી છે. કોવિડ -19 સારવારનો પંદર દિવસનો પ્રોટોકોલ છે, જેને લઇને આસારામને એઈમ્સ હોસ્પિટલમાંથી બહાર મોકલી શકાય તેમ નથી. કારણ કે જો તેમને બીજે મોકલવામાં આવે તો બીજાને પણ ચેપ લાગી શકે છે. આવામાં 15 દિવસ માટે આસારામને એઇમ્સમાં જ રાખવામાં આવે.
આ પણ વાંચોઃ જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ
એઇમ્સે આપેલા આસારામના હેલ્થ રીપોર્ટને આધારે કોર્ટનું વલણ
કોર્ટે આ સંદર્ભે 21 મેના રોજ આસારામની વચગાળાના જામીન અરજી પરની આગામી સુનાવણી માટે સૂચના આપી છે અને તે દિવસે નવો અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું છે. આસારામ વતી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ જોધપુરના સિદ્ધાર્થ લૂથરા, જગમલસિંહ ચૌધરી અને પ્રદીપસિંહ ચૌધરીએ તેમનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે આસારામ લગભગ 84 વર્ષના છે અને તેમને હૃદયરોગ સહિત અનેક રોગો છે, જેની તેઓ ઉત્તરાખંડ સ્થિત આયુર્વેદ કેન્દ્રમાં સારવાર કરાવવા માગે છે. જેના માટે બે મહિનાના વચગાળાના જામીન મંજૂર થવા જોઈએ. આ અંગે સરકારના વકીલ જોશીએ જણાવ્યું હતું કે એઈમ્સના નવા અહેવાલ મુજબ આસારામને હૃદયરોગ સહિતના કોઈ રોગના લક્ષણો નથી, માત્ર કોવિડ -19ની સારવાર ચાલી રહી છે, તે પણ વધુ નથી. આસારામને રેમડેસિવીરના ઈંજેક્શન સાથે એઝિથ્રોમાઇસીન ટેબ્લેટ આપવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. તેમનું ઓક્સિજન લેવલ 96 છે અને બીપી અને પલ્સ પણ સામાન્ય છે. આ સ્થિતિમાં કોવિડની સારવારની મંજૂરી પ્રથમ અને તે સારવાર પછી જ સુનાવણી થવી જોઈએ. કોર્ટે 21 મેના રોજ નવો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. જેને પગલે હાલમાં આસારામને વચગાળાના જામીન માટે રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત કુખ્યાત આસારામને જોધપુર એઈમ્સમાં દાખલ કરાયો