અમદાવાદ : વર્ષ 1990 કસ્ટોડિયલ ટોર્ચર અને મૃત્યુના કથિત કેસના આરોપી ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સંજીવ ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં જામનગર કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટની અપીલ ફગાવી દીધી છે.
શું હતી ઘટના ? આ ઘટનામાં નવેમ્બર 1990 માં પ્રભુદાસ માધવજી વૈષ્ણાનીનું મૃત્યુ થયું હતું, જે કથિત રીતે કસ્ટોડિયલ ડેથ હતું. પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનો આરોપ છે. તે સમયે સંજીવ ભટ્ટ જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક હતા. જેમણે અન્ય અધિકારીઓ સાથે ભારત બંધ દરમિયાન તોફાન કરવા બદલ પ્રભુદાસ વૈષ્ણ સહિત લગભગ 133 લોકોને કસ્ટડીમાં લીધા હતા.
કસ્ટોડિયલ ડેથનો આરોપ : પ્રભુદાસ વૈષ્ણને નવ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જોકે, જામીન પર છૂટ્યાના દસ દિવસ બાદ પ્રભુદાસનું મૃત્યુ થયું હતું. મેડિકલ રેકોર્ડ મુજબ તેમના મૃત્યુનું કારણ રેનલ ફેલ્યુઅર હતું. પ્રભુદાસના મૃત્યુ બાદ સંજીવ ભટ્ટ સહિત કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કસ્ટડીમાં ટોર્ચર કરવાના આરોપ હેઠળ FIR નોંધવામાં આવી હતી.
આરોપીઓને આજીવન કેદ : વર્ષ 1995 માં મેજિસ્ટ્રેટ દ્વારા કેસની નોંધ લેવામાં આવી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટેના કારણે 2011 સુધી ટ્રાયલ રોકવામાં આવી હતી. બાદમાં સ્ટે દૂર કરવામાં આવ્યો અને ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી.વર્ષ 2019 જૂનમાં જામનગર જિલ્લાની સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને IPC કલમ 302 (હત્યા), 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અને 506 (1) (ગુનાહિત ધમકી) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.
અન્ય દોષી : આ બે દોષિત સિવાય પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેસુભા દોલુભા જાડેજા અને PSI શૈલેષ પંડ્યા અને દિપકકુમાર ભગવાનદાસ શાહને પણ કસ્ટોડિયલ ટોર્ચર માટે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને IPC કલમ 323 અને 506 (1) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં અપીલ : વર્ષ 2019માં જામનગર કોર્ટના ચુકાદાને પડકારતા સંજીવ ભટ્ટ, પ્રવિણસિંહ ઝાલા, દિપકકુમાર શાહ અને શૈલેષ પંડ્યાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે આ ફોજદારી અપીલ ફગાવી દેતા જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે અવલોકન કરતા કહ્યું કે, જામનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલ કારણ સાચું હતું. તેથી દોષિત ઠેરવવાના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી.