હૈદરાબાદઃ ભારતમાં આઈસીસી વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે. જેમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝિલેન્ડને હરાવી દીધા છે. રવિવારે લખનઉમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે.
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ રમી શક્યો નહતો. તે ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ ન રમી શકે તેવી શક્યતાઓ છે. આ મુદ્દે ભારતના પૂર્વ વિકેટ કીપર અજય રાત્રા કહે છે કે ભારતના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે મળીને હાર્દિકની જગ્યાએ છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છે. હાર્દિક પંડ્યાએ આ ટૂર્નામેન્ટમાં 5 વિકેટ લીધી છે અને 11 રન બનાવ્યા છે.
ભારત તરફથી 6 ટેસ્ટ અને 12 વન ડે રમી ચૂકેલા અજય રાત્રાએ ઈટીવી ભારતને જણાવ્યું કે ભારતીય ટીમના દરેક ખેલાડીએ તક મળી ત્યારે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમનું ઓવરઓલ પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ભારતીય ટીમનો પ્રભાવ જોવા મળે છે.
અજય રાત્રાએ કહ્યું કે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ મેચમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરી અનુભવાઈ હતી. છેલ્લી મેચમાં પરત ફરેલા મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. બીજા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલે જવાબદારી યોગ્ય રીતે નિભાવી હતી. ફાસ્ટર બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને સ્પિનર રવિન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો.
અજય રાત્રાએ ઉમેર્યુ કે, જો હાર્દિક પંડ્યા બાકીની મેચીસમાં રમશે નહી તો આ ટીમ ઈન્ડિયા માટે મોટુ નુકસાન હશે. તેનાથી ટીમના સંતુલન પર પ્રભાવ પડશે. હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબરના બોલર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેઓ ફિનિશરની ભૂમિકા ભજવે છે. તેમની ગેરહાજરીમાં ટીમને પાંચ બોલર પર નિર્ભર રહેવું પડશે અને તેથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોલિંગ કરવી પડશે.
ડોમેસ્ટિક સર્કિટમાં હરિયાણા માટે રમતા રાત્રાએ જણાવ્યું કે, કેટલાક વર્ષો પહેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર પાર્ટ ટાઈમ બોલરની ભૂમિકા ભજવતા હતા. તેથી ટીમને વિશેષ છઠ્ઠા બોલરની કમી અનુભવાતી નહતી. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે સમય છે કે તેઓ પોતાની બોલિંગનો અભ્યાસ કરે અને તે અનુસાર બોલિંગ નાંખે.
ઈંગ્લેન્ડ પાંચમાંથી માત્ર એક જ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાન પર છે. જો કે ઈંગ્લેન્ડના જોશ બટલરને ગંભીરતાથી લેવાની સલાહ રાત્રાએ આપી છે. ઈંગ્લેન્ડ એક ઘાયલ વાઘની જેમ ત્રાટકી શકે છે. જે ટીમ સારુ પ્રદર્શન કરશે તે વિજયી બનશે. જો કે અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડના આત્મવિશ્વાસ પર અસર થઈ છે.
રાત્રાએ રોહિત શર્માની નેતૃત્વ ક્ષમતા પર વાત કરી. રોહિત પાસે કેપ્ટન તરીકે ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઘણો અનુભવ છે. આઈપીએલમાં એક ટીમનું નેતૃત્વ કરવું સરળ નથી કારણ કે ટૂર્નામેન્ટમાં અનેક વિદેશી ખેલાડીઓ પણ હોય છે. તેમજ દરેક ખેલાડીને સાથે રાખીને ચાલવું પડે છે.
પ્રથમ શ્રેણીની 99 મેચીસમાં અજય રાત્રાએ 4029 રન બનાવ્યા છે તેમણે જણાવ્યું કે આ વિશ્વ કપમાં રોહિત શર્મા યોગ્ય નિર્ણયો લઈ રહ્યો છે. તેઓ પોતાના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. તેમજ બેટિંગ આક્રમક છે તેથી બધુ મળીને પ્રદર્શન શાનદાર છે.
કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ 1983નો વર્લ્ડ કપ ભારત જીત્યું તે એક અવિસ્મરણીય ક્ષણ હતી. 2011માં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો પણ મારા માટે કપિલ દેવે જીતેલો વર્લ્ડ કપ હૃદયની નજીક છે કારણ કે તે વખતે હું યુવાન હતો.