ઝારખંડ - દુમકા : ઈડીએ 9 સપ્ટેમ્બરે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને ત્રીજી વખત સમન્સ પાઠવ્યા છે. સીએમ હેમંત સોરેનને ઈડીની નોટિસ બજાવવા મુદ્દે ભાજપ સાંસદ નિશિકાંત દૂબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો આપણે તેને ટાળીશું તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે અને જો ત્યાં જઈશું તો સ્થિતિ વધુ ખરાબ થશે.
ઈડીએ 9મી સપ્ટેમ્બરે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને ફરીથી બોલાવ્યા છે. જો કે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, પરંતુ આ તારીખ તેમના માટે ખોટી સાબિત થઈ રહી છે. જો તેઓ ઈડીમાં જવાનું ટાળશે તો સ્થિતિ વધુ બગડશે અને જો તેઓ જશે તો સ્થિતિ વધુ ખરાબ થશે...નિશિકાંત દુબે ( ભાજપ સાંસદ )
ત્રીજીવાર સીએમને ઈડી સમન્સ : અગાઉ ઇડીએ 14 ઓગસ્ટના રોજ રાંચી જમીન કૌભાંડમાં મુખ્યપ્રધાનને પ્રથમ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ હેમંત સોરેન પ્રથમ સમન્સ પર હાજર થયા ન હતાં. આ દરમિયાન તેણે EDના આસિસ્ટન્ટ ડિરેક્ટર દેવવ્રત ઝાને એક પત્ર મોકલ્યો હતો. જેમાં તેંણે EDની કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવી કાયદાના આશ્રયમાં જવાની વાત કરી હતી. ઇડી દ્વારા સમન્સ પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી. જે બાદ EDએ સીએમને જવાબી પત્ર મોકલતાં બીજું સમન પણ મોકલ્યું હતું, જેમાં તેમને 24 ઓગસ્ટે આવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે દિવસે પણ મુખ્યપ્રધાન હેમંત સોરેન હાજર ન થતાં તેમણે આ મામલે રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
હેમંત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું : સાંસદ નિશિકાંત દૂબેએ ફરી એકવાર હેમંત સોરેનની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સરકાર ભ્રષ્ટાચાર માટે છે. ખનીજ સંપત્તિની લૂંટ થઈ રહી છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. જનતા તેમનાથી કંટાળી ગઈ છે અને આ સરકારને પાઠ ભણાવવાનું મન બનાવી લીધું છે. સાંસદે દાવો કર્યો હતો કે જ્યારે પણ ઝારખંડમાં ચૂંટણીઓ યોજાશે, ત્યારે BJP-AJSU NDA ગઠબંધન બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે અને આગામી લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને 14માંથી 14 બેઠકો મળશે.
ભાજપની સંકલ્પ યાત્રા અંગે નિવેદન : સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીના નેતૃત્વમાં સંકલ્પ યાત્રા ચાલી રહી છે. તેને જનતાનું બહોળું સમર્થન મળી રહ્યું છે. હજુ ચૂંટણીની માહોલ નથી પણ બાબુલાલ મરાંડી તમામ 81 બેઠકો જીતવાની સંકલ્પ યાત્રા કરી રહ્યાં છે. દરેક જગ્યાએ લોકોની ભારે ભીડ જામી રહી છે. લોકો ભાજપના નેતાઓને સાંભળવા અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જાણવા માટે આવી રહ્યા છે.
બાસુકીનાથ સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટરનું ઉદ્ઘાટન : ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ શુક્રવારે દુમકા બાસુકીનાથ સ્ટેશન પર પ્રથમ રિઝર્વેશન કાઉન્ટર ઉદ્ઘાટન કર્યું. તેણે આ કાઉન્ટર પરથી પહેલું રિઝર્વેશન પણ કરાવ્યું અને જસીડીહથી દિલ્હીની ટિકિટ પણ લીધી હતી.. તેમણે કહ્યું કે લાંબા સમયથી રિઝર્વેશન સેન્ટર માગ કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રદેશના લોકોને આ ભેટ આપી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે જનતાને લગતા તમામ વિકાસ કાર્યોને ગતિ આપી છે. જેના કારણે કેન્દ્ર સરકારમાં લોકોનો વિશ્વાસ ઘણો વધી ગયો છે અને આવનારા દિવસોમાં તેનો ચોક્કસ ફાયદો થશે.