કરાચી: અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી-15એ મંગળવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે અહીં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું અને એક મુસાફરને મેડિકલ સહાય આપવામાં આવી હતી.
સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "બોઇંગ 737 એરક્રાફ્ટ અમદાવાદથી દુબઈ જઈ રહ્યું હતું ત્યારે 27 વર્ષીય મુસાફર ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને તબીબી સારવારની જરૂર હતી."
તેમણે જણાવ્યું કે CAAની મેડિકલ ટીમે પેસેન્જરને ઈમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડી હતી. પેસેન્જરનું સુગર લેવલ ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા અસામાન્ય હતા. અધિકારીએ કહ્યું, મુસાફર સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો છે. પ્લેનમાં ઈંધણ ભરાઈ ગયું છે અને હવે તે દુબઈ જશે.
મંગળવારે નવી દિલ્હીમાં એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમદાવાદથી દુબઇ જતી સ્પાઇસજેટની ફ્લાઇટને કરાચી તરફ વાળવામાં આવી હતી. 5 ડિસેમ્બર, 2023ના રોજ સ્પાઈસજેટ બોઈંગ 737 એરક્રાફ્ટ ઓપરેટીંગ ફ્લાઈટ SG-15 (અમદાવાદ-દુબઈ)ને ઈમરજન્સી મેડિકલ કારણોસર કરાચી તરફ વાળવામાં આવી છે.