- યુનાઇટેડ કિસાન મોરચાનો દાવો
- મહાપંચાયતમાં ભાગ લેવા ખેડૂતો પહોંચ્યા મુઝફ્ફરનગર
- કિસાન મહાપંચાયત પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે
નવી દિલ્હી/મુઝફ્ફરનગર: યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ શનિવારના રોજ દાવો કર્યો હતો કે, 15 રાજ્યોના હજારો ખેડૂતોએ આજે યોજાનારી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પહોંચવાનું શરૂ કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, કિસાન મહાપંચાયત પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.
મુઝફ્ફરનગરમાં ખેડૂતોની પંચાયત
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા SKM એ કહ્યું કે, મહાપંચાયત સાબિત કરશે કે, આંદોલનને તમામ જાતિ, ધર્મ, રાજ્યો, વર્ગો, નાના વેપારીઓ અને સમાજના તમામ વર્ગોનું સમર્થન છે. SKM એ એક નિવેદનમાં કહ્યું કે, 5 સપ્ટેમ્બરની મહાપંચાયતમાં યોગી-મોદી સરકારને ખેડૂતો, ખેતમજૂરો અને કૃષિ આંદોલનના સમર્થકોની શક્તિનો અહેસાસ કરાવશે. મુઝફ્ફરનગર મહાપંચાયત છેલ્લા નવ મહિનામાં સૌથી મોટી હશે.
આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં 5 સપ્ટેમ્બરના રોજ રચાશે ઇતિહાસ: રાકેશ ટિકૈત
ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા
ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા માટે 500 લંગર સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં સેંકડો ટ્રેક્ટર-ટ્રોલીઓ પર ચાલતી મોબાઈલ લંગર સિસ્ટમનો સમાવેશ થાય છે, મહાપંચાયતમાં ભાગ લેનારા ખેડૂતો માટે 100 મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પંજાબના ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકારને પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચવા માટે 8 સપ્ટેમ્બરની સમયમર્યાદા આપી છે. SKM એ કહ્યું કે જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો 8 સપ્ટેમ્બરે મોટા વિરોધ માટે યોજના તૈયાર કરશે.
આ પણ વાંચો: કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી
સરકાર સાથેની 10 થી વધુ રાઉન્ડની વાતચીત
ત્રણ વિવાદાસ્પદ કાયદાઓ સામે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધને નવ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે ખેડૂતોને ડર છે કે, આ કાયદાઓ એમએસપી સિસ્ટમનો નાશ કરશે અને તેમને મોટા કોર્પોરેટ હાઉસની દયા પર છોડી દેવામાં આવશે. સરકાર સાથેની 10 થી વધુ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહી છે. સરકાર કાયદાઓને મુખ્ય કૃષિ સુધારા તરીકે રજૂ કરી રહી છે. દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે મુઝફ્ફરનગરમાં જણાવ્યું હતું કે, પૂર્વ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત દેશના વિવિધ ભાગોમાંથી સેંકડો ખેડૂતો મહાપંચાયતમાં ભાગ લેવા આવવા લાગ્યા છે. BKU ના મહામંત્રી યુધવીર સિંહ પણ કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા આવ્યા છે. તેમણે કહ્યું કે રાકેશ ટિકૈત સહિતના વરિષ્ઠ નેતાઓ આવતીકાલે અહીં પહોંચશે.