- આજે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે
- કપાટ બંધ થયા પછી નારદ મુનિ પાસે પૂજાપાઠની જવાબદારી
- બપોરે 3 કલાકે 35 મિનિટે વિધિ વિધાન સાથે કપાટ બંધ કરાશે
ચમોલી (ઉત્તરાખંડ): આજે (ગુરુવારે) બપોરે 3 કલાકે 35 મિનિટે ભગવાન બદ્રી વિશાલના કપાટ ઠંડીની મોસમના કારણે બંધ કરવામાં આવશે. કપાટ બંધ થયા પછી કોઇપણ વ્યક્તિને સરકારની મંજૂરી વિના હનુમાન ચટ્ટીથી આગળ જવા માટે મનાઇ હશે. બદ્રીનાથજીના કપાટ ખૂલ્યા બાદ અહીં રાવલ પૂજા કરે છે અને બંધ થયા પછી નારદજી પૂજા કરે છે.
મંદિર સાથે જોડાયેલી પ્રાચીન માન્યતા
એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ આ વિસ્તારમાં તપ કર્યું હતું. તે સમયે મહાલક્ષ્મીજીએ બદ્રી એટલે કે બોરનું વૃક્ષ બની વિષ્ણુજીને છાયો આપ્યો હતો. લક્ષ્મીજીના આ સમર્પણથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. વિષ્ણુજીએ આ જગ્યાને બદ્રીનાથ નામથી પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું હતું. બદ્રીનાથમાં વિષ્ણુજીની એક મીટર ઉંચી કાળા પત્થરની મૂર્તિ સ્થાપિત છે. વિષ્ણુજીની મૂર્તિ ધ્યાન મગ્ન મુદ્રામાં છે. અહીં કુબેર, લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓ પણ છે. આ જગ્યાને ધરતીનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. બદ્રીનાથ મંદિર ત્રણ ભાગોમાં વિભાજીત છે. ગર્ભગૃહ, દર્શનમંડપ અને સભામંડ.
કેદારનાથ-ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ પણ બંધ થયા
ભાઇબીજના શુભ અવસરે કેદારનાથ ધામના કપાટ સંપૂર્ણ વિધિ વિધાન સાથે ઠંડીની મોસમાં બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા 16 નવેમ્બરે બપોરે 12:15 કલાકે યમુનોત્રી ધામના કપાટ ઠંડીની મોસમમાં બંધ કરવામાં આવ્યા છે. 15 નવેમ્બરે ગંગોત્રી ધામમાં અન્નકૂટ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગોર્વધન પૂજા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા.
કેવી રીતે નક્કી કરવામાં આવે છે કપાટ ખોલવાની તારીખ
બદ્રીનાથના કપાટ ખોલવાની તારીખ વસંત પંચમીના દિવસે ટિહરી મહારાજના નરેન્દ્ર નગર સ્થિત દરબારમાં નક્કી કરવામાં આવે છે. ટિહરી મહારાજની જન્મ કુંડળી જોઇને રાજ્ય જ્યોતિષ અને મંદિરના અધિકારી કપાટ ખોલવાનો દિવસ નક્કી કરે છે.