લખનઉઃ અયોધ્યમાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્દઘાટન અને પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ભવ્ય કાર્યક્રમમાં દિગ્ગજોને આમંત્રણ આપવાનું શરુ કરી દેવાયું છે. અંદાજિત 500 વર્ષની પ્રતિક્ષા બાદ આ પાવન ઘડી આવી છે. જો કે આ ઘટનાની ભવિષ્યવાણી 33 વર્ષ પહેલા કરી દેવામાં આવી હતી. આ ભવિષ્યવાણી સુપ્રસિદ્ધ દેવરહા બાબાએ કરી હતી.
દેવરહા બાબાએ આ ભવિષ્ય વાણી કરી ત્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમા પર હતું. દેવરહા બાબાની ભવિષ્ય વાણી હતી કે, અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે. દરેક ધર્મના લોકો સાથે મળીને આ મંદિર બનાવશે. દરેકની સહમતિથી આ મંદિર બનશે. કોઈ તેમાં વિઘ્ન નહીં નાંખે. તેમણે કરેલ ભવિષ્ય વાણી હકીકત બનવા જઈ રહી છે.
યુપીના દેવરિયા જિલ્લાના મઈલ સ્થિત બ્રહ્મર્ષિ દેવરહા બાબા આશ્રમમાં પણ રામ મંદિર ઉદ્દઘાટનનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આશ્રમના મહંત શ્યામ સુંદર દાસે આમંત્રણ મળ્યા બાદ જણાવ્યું કે અમારા માટે આ સૌભાગ્યની વાત છે અને અમે અયોધ્યા જરુર જઈશું.
મહંત શ્યામ સુંદર દાસે દેવરહા બાબાની 33 વર્ષ અગાઉની ભવિષ્ય વાણી વિશે કહ્યું હતું. તે સમયે બાબાએ મીડિયા સાથે કરેલ વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાબાએ આ ભવિષ્યવાણી આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતાઓ સામે કરી હતી. આ ભવિષ્ય વાણી થઈ ત્યારે તે સમયે શંકરાચાર્ય પણ ઉપસ્થિત હતા.
યુપીના દેવરિયા જિલ્લામાં થઈ ગયેલ દેવરહા બાબાને એક સિદ્ધ પુરુષ ગણવામાં આવે છે. દેવરિયા જિલ્લામાં જ દેવરહા બાબાનો જન્મ થયો હતો. તેમના જન્મ સમયની કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની ઉંમર સેંકડો વર્ષ હોવાનું માનવામાં આવે છે. તેમનો સ્વર્ગવાસ 1990માં થયો હતો. દેવરહા બાબાએ કરેલા ચમત્કારોની અનેક ઘટનાઓ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે દેવરહા બાબા પાસે ભવિષ્ય જોઈ શકવાની શક્તિ હતી.
દેવરહા બાબા ભકતો ઉપરાંત જાનવરોના મનની વાતો પણ સમજી શકતા હતા. તેમની સાચી ઉંમર કોઈને ખબર નથી. કોઈ કહે છે કે તેઓ 250 વર્ષ તો કોઈ કહે છે કે 500 વર્ષની બાબાની ઉંમર હતી. દેવરાહ બાબાના ભકતોમાં જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજેન્દ્ર પ્રસાદ, મદન મોહન માલવીયા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.