- ખેડૂત આંદોલન દરમિયાન ટૂલકિટ સૌથી ચર્ચામાં આવ્યું હતું
- ક્લાઈમેન્ટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક ટૂલકિટ ટ્વિટ કરી હતી
- ટ્વિટની પેટર્ન અને અન્ય ઘણી વસ્તુઓનો પણ ટૂલકિટમાં હતો ઉલ્લેખ
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલન દરમિયાન ટૂલકિટ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. ટૂલકિટ હવે ખૂબ જ ગંભીર થઈ ગયું છે. હાલમાં જ દિલ્હી પોલીસે કર્ણાટકના બેંગલુરુથી 21 વર્ષની દિશા રવિની ધરપકડ કરી છે. દિશા એક ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ છે. દિશા પર આરોપ છે કે, જે ટૂલકિટને ગ્રેટ થનબર્ગે ટ્વિટ કર્યું હતું. તે દિશાએ એડિટ કરી આગળ મોકલી હતી.
દિશા રવિની ધરપકડને વિપક્ષી નેતાઓએ ખોટી ગણાવી
આ મામલામાં દિશા રવિને દિલ્હીની એક કોર્ટે 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધી છે. ત્યારબાદ હવે આ મામલે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણા વિપક્ષી નેતાઓ, એક્ટિવિસ્ટ, સંગઠનોએ દિશા રવિની ધરપકડને ખોટી ગણાવી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર પણ દિશાના પક્ષમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને સ્ટૂડન્ટ્સ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
આંદોલનના સમર્થનમાં ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વિટ કરી હતી ટૂલકિટ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ખેડૂત આંદોલનના સમર્થનમાં ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક ટ્વિટ કર્યું હતું. આ દરમિયાન આ ટૂલકિટ પણ ટ્વિટ કરી હતી. જોકે, ત્યારબાદ તે ડિલીટ કરી દેવાઈ હતી. આમાં ટ્વિટની પેટર્ન અને અન્ય ઘણી વસ્તુઓનો પણ ઉલ્લેખ હતો. આ મામલે દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસની તપાસ અંતર્ગત દિશા રવિની ધરપકડ કરવામાં આવી છે.