બાડમેર : રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સમદરી વિસ્તારની સુકડી નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. જેના કારણે ખરાંટીયા અને માજલ ગામમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.એકાએક ઘરોમાં પાણી ઘુસી જવાને કારણે અનેક લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા. વિવિધ પરિવારોના 64 લોકો પાણીમાં ફસાયા હતા. આ અંગેની માહિતી મળતા જ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. SDRFની ટીમે પાણીમાં ફસાયેલા લોકોનું સફળ રેસક્યુ કર્યુ હતુ.
સમદરી વિસ્તારમાં સુકડી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેના કારણે અહીં પાણીના જોરદાર પ્રવાહને કારણે ખેતરોમાં રહેતા કેટલાક પરિવારો પાણીમાં ફસાઈ ગયા હતા. જેની માહિતી મળતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. SDRFની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ લોકો માજલ અને ખરંટીયા ગામ વચ્ચે ફસાયા હતા. કુલ 64 લોકોને અલગ-અલગ જગ્યાએથી બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.-- હદવંત સિંહ (મામલતદાર, સમદરી)
64 લોકોનુ રેસક્યુ : મોતીસરા ગામમાં પણ અનેક ઘરોમાં પાણી ઘુસ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેના કારણે ત્યાં પણ ઘણા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતાં જ વહીવટી તંત્રએ પાણીમાં ફસાયેલા લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. બાલોત્રાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ નીરજ શર્માએ જણાવ્યું કે, વરસાદ બાદ સુકડી નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે માજલ, ધીધસ, કોટડી ગામોમાં પણ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાના અહેવાલ છે.
રહિશોને અપીલ : ઉલ્લેખનીય છે કે, પાણી ભરાયેલા માર્ગો પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે નજીકના લોકોને પાણી ભરાતા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. બિપરજોય ચક્રવાતમાં મુશળધાર વરસાદને કારણે તળાવ, નદીઓ, નાના-મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.