નવી દિલ્હી: કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં રવિવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો (Congress president election) હતો. આગામી 17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેનું નોટિફિકેશન 22 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે. લગભગ 30 મિનિટ સુધી CWCની બેઠક બાદ પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ આ માહિતી આપી હતી. CWC meeting Congress
આ પણ વાંચો : 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા મહત્વના કાર્યક્રમો
ચૂંટણી શેડ્યૂલ તૈયાર : તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હશે અને આ સમયગાળા દરમિયાન સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરી શકાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, 1 ઓક્ટોબરના રોજ નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે. 8 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મિસ્ત્રીએ કહ્યું કે, જો એક કરતા વધુ ઉમેદવારો હશે તો 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને મતોની ગણતરી બાદ પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ સર્વસંમતિથી મંજૂર : પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ચૂંટણી કાર્યક્રમ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીએ ચૂંટણી શેડ્યૂલ તૈયાર કરી હતી, જેને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી હતી. મેડિકલ તપાસ માટે વિદેશમાં ગયેલા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની ઓનલાઈન બેઠક બપોરે 3.30 વાગ્યે શરૂ થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સોનિયા સાથે હાજર હતા.
આ પણ વાંચો : PM મોદીને શા માટે ભુજમાં રોડ શો યોજવો પડે છે, શું છે કારણ
અનેક નેતાઓ રહ્યા હાજર : આ બેઠકમાં આનંદ શર્મા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટીના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રી, કે.સી. વેણુગોપાલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ, મુકુલ વાસનિક અને પી. ચિદમ્બરમ ઉપરાંત રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ હાજર હતા. ગયા વર્ષે CWC દ્વારા મંજૂર કરાયેલા કાર્યક્રમ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની હતી.
રાહુલ બને તેવી ઈચ્છા : 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે પાર્ટીની બાગડોર સંભાળી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મારી અંગત ઈચ્છા છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બને.