ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં ચકચારી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાયબરેલીના લાલગંજમાં રેલ્વે કોચ ફેક્ટરીમાં ડીએમઓ તરીકે કામ કરતા આંખના સર્જને પોતાની પત્ની અને બે બાળકોની નિર્મમ હત્યા કરી છે. ચારેયના મૃતદેહને પોલીસ દ્વારા સરકારી આવાસનો દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. હત્યારા ડોક્ટરે આત્મહત્યા કરી હતી. જ્યારે તેની પત્ની, પુત્ર અને પુત્રીના મૃતદેહ બેડ પર મળી આવ્યા હતા.
હત્યારો ડોક્ટર : એસપીના જણાવ્યા અનુસાર, ડોક્ટરે પહેલા પત્ની, પુત્ર અને પુત્રીને ઈન્જેક્શન આપીને બેભાન કર્યા અને પછી માથા પર હથોડી વડે ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી હતી. ત્યારબાદ ડોક્ટરે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઉપરાંત ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે.
બે દિવસથી ગાયબ પરિવાર : રાયબરેલી જિલ્લાના લાલગંજમાં કાર્યરત આધુનિક રેલ કોચ ફેક્ટરી દેશમાં દોડતી ટ્રેનો માટે આધુનિક કોચ બનાવે છે. આ જ ફેક્ટરીમાં 2017 માં આંખના સર્જન નિષ્ણાત ડો. અરુણસિંહને ડીએમઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પત્ની અર્ચનાસિંહ, પુત્રી આદિવા અને પુત્ર આરવ સાથે ફેક્ટરીના રહેણાંક પરિસરમાં રહેતા હતા. ડોક્ટર અરુણસિંહને છેલ્લે રવિવારના રોજ કોઈએ જોયા હતા. ત્યારબાદ આવાસ કેમ્પસમાં રહેતા કોઈપણ વ્યક્તિએ ડોક્ટર અથવા તેમના પરિવારના કોઈ સભ્યને જોયા નહોતા.
ચાર મૃતદેહ મળતા ચકચાર : આજે જ્યારે તેમના સાથીદારો તેમની શોધમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેમને ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તેઓએ ઘરમાં ડોકિયું કર્યું તો ડોક્ટર, પત્ની અને બાળકોના મૃતદેહ જોવા મળ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે માહિતી મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમે દરવાજો તોડી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉપરાંત આ કેસની તપાસ ચાલી રહી છે.
કોણે કરી હત્યા ? પોલીસ અધિક્ષક આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે, ડોક્ટર 2017 થી ફેક્ટરીમાં કામ કરતો હતો. તેઓ આંખના સર્જન હતા. તેઓએ વિવિધ પ્રકારના ઈન્જેક્શનનો ઉપયોગ કરીને પહેલા બાળકોને બેભાન કર્યા અને પછી માથામાં ઘા મારીને તેમની હત્યા કરી હતી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. તે છેલ્લે રવિવારના રોજ જોવા મળ્યો હતો. આજે જ્યારે તેમના સાથીદારો તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે દરવાજો તૂટેલા હતો અને ઘરમાં મૃતદેહ જોવા મળ્યા હતા. મૃતદેહોનો કબજો લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.