નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં 9 માંથી તમામ 9 મેચ જીતીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં મેચના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પછી તે ફિલ્ડિંગ હોય, બોલિંગ હોય કે બેટિંગ. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ હતી જે એક પણ મેચ હારી નથી. હવે સેમિફાઇનલ મેચ ભારતીય ટીમ 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
વસીમ અકરમે રોહિત શર્માની કરી પ્રશંસાઃ ભારતીય ટીમના આ અભૂતપૂર્વ પ્રદર્શન અને નેધરલેન્ડ સામે 160 રનની જીત બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે રોહિત શર્માના વખાણ કર્યા છે. અકરમે કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે વિશ્વ ક્રિકેટમાં આવો કોઈ ખેલાડી છે. આપણે વિરાટ કોહલી, કેન વિલિયમસન, જો રૂટ, બાબર આઝમ વિશે વાત કરીએ છીએ, પરંતુ રોહિત શર્મા દરેકથી અલગ છે. જ્યારે તે બેટિંગ કરે છે, ભલે બોલર કોઈપણ હોય કે આક્રમક બોલિંગ હોય, તે ખૂબ જ સરળતાથી શોટ ફટકારે છે. તે દરેક ખેલાડીને હરાવે છે. જ્યારે તે ટકી જાય છે, ત્યારે બોલરોને ધોઈ નાખે છે.
ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શનઃ આપને જણાવી દઈએ કે રોહિત શર્માએ નેધરલેન્ડ સામે 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અને આ મેચમાં ભારતના તમામ બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત (61), શુભમન ગિલ (51), વિરાટ કોહલી (51), શ્રેયસ અય્યર (128) અને કેએલ રાહુલ (102)ની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.