લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના સ્ટેડિયમમાં 29મી ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ માટે ક્રિકેટપ્રેમીઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. એવામાં આ મેચની ટિકિટો ખોટી રીતે વેચાતી હોવાની સમાચાર સામે આવ્યા છે. એક નકલી વેબસાઈટ ક્રિકેટ પ્રેમીઓ પાસેથી ઈમેલ એડ્રેસ અને ડેટા મેળવીને પૈસા પડાવીને છેતરી રહી છે. આ સમગ્ર મામલે સુશાન્ત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં નકલી વેબસાઈટ વિરુદ્ધ ટિકિટ બૂક કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આઈસીસીવર્લ્ડકપટિકિટ્સ.કોમઃ ડીસીપી વિનીત જયસ્વાલ અનુસાર સુશાન્ત ગોલ્ફ પોલીસ સ્ટેશન વિસ્તારના એકાના સ્ટેડિયમમાં 29મી ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ થવાની છે. તેથી ક્રિકેટ પ્રેમીઓ ટિકિટ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. આવામાં કેટલીક નકલી વેબસાઈટ દ્વારા ટિકિટ બૂકિંગ કરીને છેતરપીંડી આચરવામાં આવી રહી છે. તપાસ કરતા માલૂમ પડ્યું કે આઈસીસી વર્લ્ડકપ ટિકિટ્સ.કોમ નામની વેબસાઈટ દ્વારા નકલી ટિકિટ બૂકિંગ કરવામાં આવી રહ્યું છે. આ વેબસાઈટ વિશે જ્યારે યુપીસીએ અને બીસીસીઆઈને પુછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર બૂક માય શો વેબસાઈટને જ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું જણાવ્યું હતું. બૂક માય શો વેબસાઈટ જ 29મી ઓક્ટોબરની મેચ માટેની સત્તાવાર ટિકિટ બૂકિંગ પાર્ટનર છે. આ સિવાય આઈસીસીવર્લ્ડકપટિકિટ્સ.કોમ કે તેના જેવી કોઈપણ વેબસાઈટને સત્તાવાર પરવાનગી અપાઈ નથી.
સાયબર સેલ તપાસમાં જોતરાઈઃ પોલીસ અનુસાર યુપીસીએ અને બીસીસીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે આ નકલી વેબસાઈટના માધ્યમથી છેતરપીંડી કરવામાં આવી રહી છે. આ છેતરપીંડી કરવા માટે ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વેબસાઈટ ચલાવનારા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ સુશાન્ત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.