નવી દિલ્હી : કોંગ્રેસે મંગળવારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના શેરના ભાવ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુખ્ય વિપક્ષી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, LICની ઈશ્યુ પ્રાઈસ (Issue price of LIC) ઘણી ઓછી રાખવામાં આવી છે અને 30 કરોડ પોલિસીધારકોના ભરોસાની કિંમતની સામે નિમ્ન કિંમતે વેચવામાં આવી રહી છે.
રણદીપ સુરજેવાલના પ્રહાર : કંપનીના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO)ના એક દિવસ પહેલા કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, સરકારે ફેબ્રુઆરીમાં LICનું (Life Insurance Corporation of India IPO) મૂલ્ય રૂપિયા 12-14 લાખ કરોડ આંક્યું હતું અને માત્ર બે મહિનામાં તેને ઘટાડીને રૂપિયા 6 લાખ કરોડ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં PSUમાં પાંચ ટકા હિસ્સો વેચીને રૂપિયા 70,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ તે હવે ઘટાડીને રૂપિયા 21,000 કરોડ અને હિસ્સો વેચીને 3.5 ટકા કરવામાં આવ્યો છે. સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, "સરકાર એવા સમયે શા માટે LICમાં હિસ્સો વેચવા જઈ રહી છે, જ્યારે રુસ-યુક્રેન યુદ્ધ સહિત વિવિધ કારણોસર સ્થાનિક અને વૈશ્વિક નાણાકીય બજારોમાં ઉથલપાથલ છે."
આ પણ વાંચો : IPO શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો હેતુ શું છે ?, જાણવા માત્ર એક ક્લિક...
IPO માટે પ્રોસ્પેક્ટસ સબમિટ : સુરજેવાલાએ જણાવ્યું હતું કે, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં IPO (Initial public offering) માટે પ્રોસ્પેક્ટસ સબમિટ કરવામાં આવ્યું હતું, ત્યારે LICના ડિસઇન્વેસ્ટમેન્ટનું મૂલ્યાંકન (નેટ એસેટ વેલ્યુ વત્તા ભાવિ લાભનું વર્તમાન મૂલ્ય) 2.5 ગણું હતું, પરંતુ બાદમાં IPOનું મૂલ્યાંકન અંતર્ગત કરતાં 1.1 ગણું રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેની સરખામણીમાં HDFC લાઇફ ઇન્સ્યોરન્સ 3.9 ગણા વેલ્યુએશન પર ટ્રેડ કરે છે. SBI લાઇફ અને ICICI પ્રુડેન્શિયલ લાઇફ અનુક્રમે 3.2x અને 2.5x વેલ્યુએશન પર ટ્રેડ કરી રહી છે.
પ્રાઇસ કેપમાં ઘટાડો થવાથી સરકારી તિજોરી : કોંગ્રેસના નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે, LICના જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022ના ઈશ્યૂ માટે પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂપિયા 1,100 રાખવામાં આવી હતી, જ્યારે તે હવે ઘટાડીને રૂપિયા 902 થી રૂપિયા 949 પ્રતિ શેર કરવામાં આવી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે, મૂલ્યાંકન ઓછું થવાથી અને પ્રાઇસ કેપમાં ઘટાડો થવાથી સરકારી તિજોરીને રૂપિયા 30,000 કરોડનું નુકસાન થશે. આથી, તેમણે પૂછ્યું, "આખરે, દેશ અને વિદેશમાં પ્રસિદ્ધિ પછી નરેન્દ્ર મોદી સરકારે અચાનક LICનું મૂલ્યાંકન અને ઇશ્યૂ કદ કેમ ઘટાડ્યું?"
આ પણ વાંચો : IPO of LIC: 4 મેના રોજ ખુલશે LICનો IPO, ઓવર સબ્સ્ક્રાઇબની કોર્પોરેશનને આશા
વિશ્વની 10મી સૌથી મોટી વીમા બ્રાન્ડ : સુરજેવાલાએ દાવો કર્યો હતો કે, સરકારે ફેબ્રુઆરી 2022માં પાંચ ટકા હિસ્સો વેચીને રૂપિયા 70,000 કરોડ એકત્ર કરવાના લક્ષ્ય સાથે પેન્શન ફંડ, મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ નિગમ જેવા મોટા રોકાણકારોને આકર્ષવા માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર 2021 સુધીમાં LIC પાસે 300 મિલિયન પોલિસીધારકો છે અને તેમની નેટવર્થ રૂપિયા 39,60,000 કરોડ (526 બિલિયન ડોલર) છે. કંપની પાસે રૂપિયા 52,000 કરોડના શેર છે. તેમણે કહ્યું કે LICએ તેના રોકાણ પર એપ્રિલ-સપ્ટેમ્બર, 2021 દરમિયાન 3.35 લાખ કરોડ રૂપિયાની આવક મેળવી છે. સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કંપની દર વર્ષે 30 મિલિયન પોલિસી જારી કરે છે, જે દરરોજ એક લાખ પોલિસીમાં અનુવાદ કરે છે અને તે વિશ્વની 10મી સૌથી મોટી વીમા બ્રાન્ડ છે.