નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે ગુજરાતની ભાજપ સરકાર પર રૂ. 6,000 કરોડના કોલસા કૌભાંડ (Gujarat Coal Scam)નો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ સમયબદ્ધ તપાસ થવી જોઈએ. વિરોધ પક્ષે એમ પણ કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED, CBI અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ કેસ નોંધવો જોઈએ. આ આરોપ પર ભાજપ કે ગુજરાત સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું
એક સમાચારને ટાંકીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ (Rahul Gandhi tweet on Coal Scam) કર્યું, '60 લાખ ટન કોલસો "ગુમ"! આ કોલસા કૌભાંડ પર વડાપ્રધાન 'મિત્ર' કંઈ કહેશે?' પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે જણાવ્યું હતું કે, “નાના ઉદ્યોગોને પોસાય તેવા દરે સારી ગુણવત્તાનો કોલસો આપવાની નીતિ (Gujarat Coal policy) UPA સરકાર દ્વારા 2007માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે, કોલ ઈન્ડિયાની ખાણો (Coal India Mines)માંથી કોલસો સીધો તેમની પાસે પહોંચશે અને તેમણે નાના ઉદ્યોગોને કોલસો પૂરો પાડવો જોઈએ, પરંતુ ગુજરાત સરકારે આ કામ પોતે કરવાને બદલે કેટલીક એજન્સીઓને આપી દીધું હતું.
આ 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે
તેમણે આક્ષેપ કર્યો હતો કે, 60 લાખ ટન કોલસો જે નાના ઉદ્યોગોને મળવો જોઈતો હતો, તે રાજ્ય બહારના અન્ય ઉદ્યોગોને અનેક ગણા દરે આપવામાં આવ્યો હતો. તેની કિંમત 6000 કરોડ રૂપિયા છે. આ 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. વલ્લભે દાવો કર્યો હતો કે, ગુજરાતના ઉદ્યોગ વિભાગે છેલ્લા 14 વર્ષમાં આ એજન્સીઓને બદલી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં ઉદ્યોગ વિભાગ પોતે આ કામ કરી રહ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનની સાથે-સાથે રાજ્યના ઉદ્યોગપ્રધાન પણ હતા. આ પછી વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાનની સાથે ઉદ્યોગપ્રધાન પણ હતા.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ઑફલાઇન બોર્ડ પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ મામલે સમયબદ્ધ તપાસ થવી જોઈએ અને 2007થી લઈને અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે સીબીઆઈ, ઈડી અને અન્ય એજન્સીઓએ આ મામલે કેસ નોંધવો જોઈએ.
આ પણ વાંચો: બજરંગ દળ કાર્યકર હત્યામાં CM અને ગૃહપ્રધાને આ વાત કહી