ન્યૂઝ ડેસ્ક : બીજી બાજુ મુખ્ય વિપક્ષી મોરચો, કોંગ્રેસની આગેવાની હેઠળનો સંયુક્ત લોકતાંત્રિક મોરચો (UDF) સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દાને જગાવવા માગે છે. આ ચર્ચાસ્પદ મુદ્દો હાલમાં અદાલતમાં પડ્યો છે. સોનાની દાણચોરી, લાઈફ મિશનમાં ભ્રષ્ટાચાર અને આઈટી વિભાગની ગેરરીતિના મુદ્દાઓ ઊઠાવવાની કોશિશ UDF તરફથી થઈ હતી, પણ નેતાઓને સમજાયું છે કે આ મુદ્દાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે ચાલ્યા નથી. તેથી વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી મુદ્દા તરીકે ફરી સબરીમાલા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
સામાન્ય રીતે સત્તા પર આવ્યા પછી પોતે કેવી કામગીરી કરવા માગે છે તે મુદ્દાઓ પર મોરચાઓ તરફથી પ્રચાર થતો હોય છે. સાથે જ વિપક્ષ પર રાજકીય પ્રહારો થતા હોય છે. તેના બદલે આ વખતે LDF પોતે અત્યાર સુધી કરેલા કામો પર વધારે ધ્યાન આપી રહ્યો છે. સારા કાર્યોની શરૂઆત કરી છે તેને આગામી વર્ષોમાં કેવી રીતે આગળ વધારાશે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ રીતે 'વિકાસ માટે વૉટ' એ LDF તરફથી મુખ્ય ચૂંટણી સ્લોગન બની રહેશે અને સતત બીજી વાર સત્તા મેળવવા કોશિશ કરશે.
પંચાયતોની ચૂંટણીમાં LDFને ભારે બહુમતી સાથે વિજય મળ્યો છે અને તેમાં આ જ ચૂંટણી પ્રચાર કામ આવ્યો હતો. વિપક્ષ તરફથી લગાવાતા આક્ષેપોના જવાબ આપવામાં ગૂંચવાઈ જવાથી બચવાની કોશિશ શાસક મોરચો કરી રહ્યો છે. જુદી જુદી કલ્યાણ યોજનાઓ શરૂ થઈ તેના લાભાર્થીને મનાવવા વધારે સહેલા હોય છે. કોરોના રોગચાળા વખતે મફતમાં અનાજ વિતરણ તથા પૂર વખતે સહાયની કામગીરી દ્વારા મતદારોને રાજી રખાયા હતા.
પંચાયતોના પરિણામો પછી મુખ્ય પ્રધાન પિનરઇ વિજયને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે. “સરકાર સામે જુઠ્ઠાણા ફેલાવીને ધિક્કારની લાગણી પેદા કરવાની કોશિશ થઈ હતી. પરંતુ લોકોએ તેવા કોઈ જુઠ્ઠાણાને સાંભળ્યા નથી. મતદારોએ કલ્યાણ અને વિકાસના કાર્યોને સમર્થન આપ્યું છે. તેઓ ઇચ્છે છે કે સરકાર આ સારા કાર્યોને આગળ વધારે.”
આના પરથી સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે LDF તેની સામે થઈ રહેલા આક્ષેપોનો જવાબ આપવામાં સમય બગાડવા માગતો નથી. તેના બદલે નિપા વાવાઝોડું, બે ભારે પુર, કુદરતી આફતો અને કોરોના રોગચાળા વચ્ચે પાંચ વર્ષ સુધી સરકારે કેવી કામગીરી કરી તેના આધારે જ પ્રચાર કરવા માગે છે. સરકારના વિકાસના દાવા પર વિશ્વાસ રાખીને જ મતદારોએ પંચાયતોની ચૂંટણીમાં મતો આપ્યા છે તેવા વિશ્વાસ સાથે LDFના નેતાઓ કહે છે કે ફરી એના એ આક્ષેપો વિપક્ષ કરશે તો લોકો તેમાં ભરોસો નહિ કરે.
ગયા મહિનેથી વિજયને લોકસંપર્ક શરૂ કર્યો છે અને તે દરમિયાન તેઓ કહેતા રહ્યા છે કે તેમની સરકારે 2017ના ચૂંટણીઢંઢેરામાં 600 યોજનાઓ માટેનું વચન આપ્યું હતું, તેમાંથી માત્ર 30 જ કરવાના બાકી છે. આ બાકી યોજનાઓ પણ મુદત પૂરી થતા સુધીમાં પૂર્ણ કરી દેવાશે.
સરકાર પાસે એવી ઘણી બધી યોજનાઓ છે, જેની સફળતાનો દાવો કરીને તે પ્રચાર કરી શકે છે. રાજ્યમાં આરોગ્ય સુવિધા સુધારવા માટેની અદરામ મિશન યોજના, તથા લાઈફ મિશન હેઠળ 18 જાન્યુઆરી સુધીમાં 2,51,046 મકાનો તૈયાર કરીને ફાળવાયા છે તેનો પ્રચાર થઈ શકે છે. જળ માર્ગોના સંવર્ધન માટેની હરિત કેરલમ મિશન, કચરાના નિકાલની અને વૃક્ષારોપણની યોજના, સરકારી શાળામાં શિક્ષણને ચેતનવંતુ કરવાની યોજના, મહિલા સશક્તિકરણ માટેના ઘણા બધાં પગલાં તથા સરકારી નોકરીમાં LGBT કમ્યુનિટીને તક આપનારા પ્રથમ રાજ્ય તરીકેની સિદ્ધિ, મફતમાં કે ફોન અને સસ્તામાં ઇન્ટરનેટ મળે તે માટેની વ્યવસ્થા, અને કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) મારફથ થયેલા માળખાકીય સુવિધાના કામોને પ્રચારમાં સમાવી લેવાયા છે.
KIIFBની કામગીરીની અને તેમાં ફોરેન ફંડિંગની કોંગ્રેસ તથા ભાજપે ટીકા કરી છે, પરંતુ આજે રાજ્યમાં તેના દ્વારા અપાયેલા ભંડોળથી ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. કેગના અહેવાલમાં KIIFBને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું ત્યારે રાજ્ય સરકારે તેની સામે પણ લડત આપવી પડી હતી. કેગના અહેવાલમાં આ બોર્ડ સામે જે વાંધા દર્શાવાયા હતા તેને નકારી કાઢવા માટે વિધાનસભામાં ઠરાવ કરાયો હતો, જે ઠરાવ સામે UDF તરફથી ભારે વિરોધ થયો હતો.
આ ચૂંટણી લડતમાં અનિશ્ચિતતા અને ગૂંચ સામે આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. UDFમાં જૂથવાદ જામ્યો છે તેના કારણે તે નબળો પડ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમેન ચંડી, વર્તમાન વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા અને કેરળ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મુલાપ્પલી રામચંદ્રન સામસામે છે. આ ત્રણેય નેતાઓની નજર સીએમની ખુરશી પર છે. આવી જૂથ બંધી વચ્ચે સબરીમાલાના મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મોરચાના સાથી પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનું જોર વધી રહ્યું છે, કેમ કે પંચાયતોની ચૂંટણીમાં મોટા ભાગે તેના કારણે જ જીત મળી છે. કોંગ્રેસ પોતાના ગઢમાં પણ જીતી શક્યું નથી.
આથી કોંગ્રેસની આગેવાની હેઠળનો મોરચો ફરીથી એ જ મુદ્દા પર આવી ગયો છે, જેના કારણે ગત લોકસભા ચૂંટણીમાં ફાયદો થયો હતો. તે મુદ્દો છે સબરીમાલાનો. સબરીમાલાના વિવાદના કારણે સીપીએમની વૉટબૅન્કમાં ગાબડું પડ્યું હતું તે વાત સાચી, પરંતુ કેરળની 20માંથી 19 બેઠકો UDF જીતી ગયો તેનું એક કારણ ભાજપ સામેનો વિરોધ પણ હતો. કેન્દ્રમાં ભાજપના વિકલ્પ તરીકે મતદારોએ કોંગ્રેસને પસંદગી આપી હતી.
સીપીએમના સંગઠને નેતાઓને ચેતવણી આપી છે કે સબરીમાલાના મુદ્દે કોઈ પ્રતિવાદ કરવો નહિ. સીપીઆઈના મંત્રી કાનમ રાજેન્દ્રને પણ જણાવ્યું છે કે સબરીમાલા પર વિપક્ષ ધ્યાન કેન્દ્રીત કરે છે તેનું કોઈ મહત્ત્વ નથી. “સબરીમાલાનો મુદ્દો કોર્ટમાં છે. તેને ફરીથી ઉઠાવવાની વાત રાજકીય સ્ટંટ છે અને લોકો પણ તે જાણે છે,” એમ કાનમે પત્રકારોને જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા બીજા મોટા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યાં રાજ્ય સરકારો સામે એન્ટી-ઇન્કમબન્સીની સમસ્યા છે, પણ કેરળની સરકાર સામે અત્યારે કોઈ પ્રજાકીય રોષ જણાતો નથી. કેરળ સરકાર પોતાના પાંચ વર્ષના કરેલા કામોને લઈને ચૂંટણીમાં ઉતરવાનો છે. આવા સંજોગોમાં UDF સબરીમાલાનો મુદ્દો ઉઠાવીને ફરીથી સત્તા પર આવી શકે છે કે કેમ તે જોવાનું રહે છે. આ મુદ્દાને ઉઠાવીને તે પોતાના હિન્દુ મતદારોને ઉલટાના ભાજપ તરફ જવા પ્રેરિત કરશે કે કેમ તે પણ સવાલ છે. કોંગ્રેસના મોરચામાં SDPI જેવા ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠન પણ છે તે વાત પણ તેની વિપરત જઈ શકે છે.
કે. પ્રવીણ કુમાર