- સૌથી પ્રથમ રેકોર્ડ બનાવ્યો હતો 2014માં
- બાળકો માટે ઘરમાં ચલાવે છે કમ્પ્યૂટર સેન્ટર
- JNUમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે બજાવે છે ફરજ
નવી દિલ્હી : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU) ના કમ્પ્યૂટર ઓપરેટર વિનોદ કુમાર ચૌધરી ડેટા એન્ટ્રીનું કામ કરે છે. કમ્પ્યૂટરમાં ડેટા નાંખવાનું કામ તેમને એટલી હદે ગમી ગયું છે કે તેમણે ટાઈપિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે.
જાણો અન્ય ક્યા રેકોર્ડ છે તેમના નામે
વિનોદ કુમાર ચૌધરી (ઉં.વ.41) JNUના પર્યાવરણ વિજ્ઞાન ભવનમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેમણે ગત વર્ષે લોકડાઉન દરમિયાન એક રેકોર્ડ બનાવ્યો હતો. ચૌધરીના નામે 2014માં નાકથી સૌથી ઝડપી ટાઈપ કરવાનો રેકોર્ડ નોંધાયો હતો. આ સિવાય આંખો બંધ કરીને ટાઈપ કરવાનો, મોઢામાં લાકડી રાખીને સૌથી ઝડપી ટાઈપ કરવાનો રેકોર્ડ પણ તેમના નામે જ નોંધાયેલા છે.
ઘરમાં ચલાવે છે ગરીબ અને દિવ્યાંગ બાળકો માટે કમ્પ્યૂટર સેન્ટર
તેઓ પોતાના ઘરે ગરીબ અને દિવ્યાંગ બાળકો માટે કમ્પ્યૂટર સેન્ટર ચલાવે છે અને તેની દિવાલ પર તેમના રેકોર્ડની તસવીરો લગાવેલી છે. તેમને જણાવ્યું હતું કે, "મને હમેશાથી જ ગતિમાં રસ હતો. બાળપણથી મને રમતો સાથે લગાવ હતો. જોકે, ઉંમર જતા સ્વાસ્થ્યના કારણોસર હું તેમાં આગળ ન વધી શક્યો. જ્યારબાદ મને કમ્પ્યૂટર પર ગતિનો ચસ્કો લાગ્યો હતો. મેં પ્રથમ રેકોર્ડ 2014માં બનાવ્યો. જેમાં નાકથી 44.30 સેકન્ડમાં 103 અક્ષરો ટાઈપ કર્યા હતા. આ પ્રકારના ટાઈપિંગ માટે તે સૌથી ઓછો સમય હતો."