ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય રાજકારણના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહનું શનિવારે મોડી સાંજે લાંબી બિમારી બાદ અવસાન થયું છે. તેમના અવસાનથી ભારતીય રાજકારણમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું છે.
વડાપ્રધાને ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલી
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ કરોડો લોકોનો અવાજ હતાં. તેઓએ ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવવા માટે તેમણે અનેક પ્રયત્નો કર્યાં છે.
રાષ્ટ્રપતિએ પણ પાઠવી શ્રદ્ધાંજલી
રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કલ્યાણ લોકો સાથે જાદુઇ રીતે જોડાયેલા હતાં. તેમના અવસાનથી જાહેર જીવનને એક મોટી ખોટ પડશે.
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને પણ આપી શ્રદ્ધાંજલી
યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાનને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રાજનીતિના લોકપ્રિય અને આદરણીય નેતા કલ્યાણ સિંહનું અવસાન થયું છે જે સમગ્ર ભારત માટે ન પુરી શકાય તેવી ખોટ છે.
ગત સપ્ટેમ્બર માસથી હતા સારવાર હેઠળ
ગત વર્ષ સપ્ટેમ્બર માસ કલ્યાણ સિંહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને પીજીઆઇ લખનઉમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાદમાં તેમને ગાઝીયાબાદની કૌશામ્બીમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઑક્ટોબર 2020માં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા હતાં ફરી જુલાઇ 2021માં તેમની તબિયત લથડતા તેમને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. લોહિયા સંસ્થાનની તપાસમાં સામે આવ્યું હતું કે તેમનું બ્લડ શુગર અનિયંત્રિત હતું, એક્યૂટ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની ફરીયાદ પણ જોવા મળી હતી. તેમના શરીર પણ સોજા અને ઇન્ફેક્શન પણ જોવા મળ્યું હતું. તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેમને માઇનર હાર્ટ એટેક પણ આવ્યો હતો. જે બાદ તેમને 4 જુલાઇ 2021ના રોજ તેમને એસજીપીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા હતાં
ભાજપના નેતાઓ નિયમિત અંતરાલે કરતા હતાં સ્વાસ્થ્ય પૃચ્છા
તેઓ જ્યારે સારવાર હેઠળ હતાં ત્યારે ભાજપના અનેક અગ્રણીઓએ તેમના ખબર અંતર પુછ્યા હતાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી પણ સતત તેમના સ્વાસ્થ્ય અંગેના સમાચાર લેતા હતાં. એક પ્રાથમિક માહિતી અનુસાર છેલ્લા બાવન દિવસોથી તેઓ વેન્ટિલેટર પર હતાં. તેમના કિડનીના ઇન્ફેક્શનમાં સુધારો પણ થયો હતો તેમ છતાં ડૉક્ટર્સે તેમની પરિસ્થિતિ ગંભીર ગણાવી હતી..